મારી બન્ને દીકરી જ્યાં હતી ત્યાં સુધી પહોંચાય એમ ન હોવાથી મેં બાજુના વૉર્ડમાંથી સાત બાળકોને બચાવ્યાં, પણ...

19 November, 2024 10:48 AM IST  |  Jhansi | Gujarati Mid-day Correspondent

ઝાંસીની હૉસ્પિટલની આગ આકસ્મિક હોવાનો પ્રાથમિક રિપોર્ટ : આ ઘટનામાં અત્યાર સુધી ૧૨ બાળકોનાં મૃત્યુ થયાં : પોતાની દીકરીઓને ન બચાવી શકનાર યાકુબ મન્સૂરી હવે તેની બન્ને દીકરીઓ માટે માગી રહ્યો છે ન્યાય

યાકુબ મન્સૂરી અને ઝાંસીની જે હૉસ્પિટલમાં આગ લગી હતી ત્યાંની તસવીર

શુક્રવારે રાતે ઉત્તર પ્રદેશના ઝાંસીની હૉસ્પિટલમાં લાગેલી આગ આકસ્મિક હોવાનો પ્રાથમિક રિપોર્ટ બે મેમ્બરની પૅનલે આપ્યો છે. આ ઘટનામાં મરનાર બાળકોની સંખ્યા વધીને ૧૨ સુધી
પહોંચી છે.

આ આખી હોનારતમાં બે કિસ્સા ઊડીને આંખે વળગે એવા છે. પહેલા કિસ્સામાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કૉલેજમાં આ ઘટના બની ત્યારે મેઘા જેમ્સ નામની નર્સ ડ્યુટી પર હતી. તેણે નીઓ-નેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU)માં આગ ફેલાઈ હોવાનું જોઈને પોતાના જીવની પરવાહ કર્યા વગર જ અન્ય સ્ટાફની મદદથી ૧૫ બાળકોને બચાવ્યાં હતાં. બાળકોને બચાવતી વખતે મેઘાનાં કપડાંએ આગ પકડી લીધી હતી, પણ તે હિંમત નહોતી હારી. મેઘા જેમ્સે કહ્યું કે ‘હું એક બાળકને ઇન્જેક્શન આપવા માટે સિરિન્જ લેવા બહાર ગઈ હતી. પાછી આવીને જોયું તો ઑક્સિજન કૉન્સન્ટ્રેટરમાં આગ લાગી ગઈ હતી. મેં તરત વૉર્ડબૉયને બોલાવ્યો. તે આગ બુઝાવવાનો સામાન લઈને આવે એ પહેલાં આગ ફેલાઈ ચૂકી હતી. આમ છતાં હું બાળકોને બચાવવા ગઈ હતી. આગમાં પહેલાં મારું ચંપલ બળ્યું અને એને લીધે મારો પગ બળી ગયો. ત્યાર બાદ મારી સલવારે પણ આગ પકડી લીધી હતી. તરત જ મેં સલવાર ઉતારીને ફેંકી દીધી હતી. એ સમયે મારું મગજ કામ નહોતું કરતું. તરત મેં બીજી સલવાર પહેરી અને બચાવકાર્યમાં જોતરાઈ ગઈ હતી. વૉર્ડમાં ૨૪ બાળકો હતાં, પણ લાઇટ ન હોવાથી અમે વધુ બાળકોને બચાવી નહોતાં શક્યાં.’

બીજા કિસ્સામાં આગ લાગી ત્યારે યાકુબ મન્સૂરી હૉસ્પિટલની બહાર બેઠો હતો. તેની બે દીકરી આ હૉસ્પિટલમાં ઍડ્‍મિટ હતી. NICUમાં આગ જોઈને તે બારીના કાચ તોડીને અંદર ઘૂસી ગયો હતો અને સાત બાળકોને બચાવવામાં તેને સફળતા મળી હતી. જોકે તે પોતાની બન્ને દીકરીને નહોતો બચાવી શક્યો. યાકુબ મન્સૂરીએ કહ્યું કે ‘મારી દીકરીઓ હતી ત્યાં આગ બહુ ફેલાઈ ગઈ હોવાથી ત્યાં સુધી પહોંચવું મારે માટે શક્ય નહોતું. મારી માફક બીજા પેરન્ટ્સે પણ મારી દીકરીઓને બચાવવાની કોશિશ કરી હતી, પણ ત્યાં સુધી તેઓ પહોંચી નહોતા શક્યા. એટલે મેં બીજા વૉર્ડમાંથી બાળકોને બચાવવાનું શરૂ કરી દીધું હતું. આ રીતે ૭ બાળકોને હું બચાવી શક્યો હતો.’

તેણે હવે પોતાની દીકરીઓ માટે ન્યાયની માગણી કરી છે.

Jhansi uttar pradesh fire incident national news news