06 August, 2024 08:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે રાજ્યસભામાં ચૅરમૅન જગદીપ ધનખડે આખું નામ લેતાં ભડકેલાં જયા બચ્ચન
ઍક્ટરમાંથી રાજકારણી બનેલાં જયા બચ્ચનનું નામ બોલતી વખતે રાજ્યસભાના ચૅરમૅન જગદીપ ધનખડે ગઈ કાલે આખું નામ જયા અમિતાભ બચ્ચન બોલતાં તેઓ રોષે ભરાયાં હતાં અને વિરોધ નોંધાવીને કહ્યું હતું કે સંસદમાં આખું નામ બોલવાનો નવો ડ્રામા શરૂ થયો છે. આ પહેલાં ૨૯ જુલાઈએ પણ રાજ્યસભાના ડેપ્યુટી ચૅરમૅન હરિવંશ નારાયણ સિંહે જયા અમિતાભ બચ્ચન એમ આખું નામ બોલતાં જયા બચ્ચન ચિડાયાં હતાં.
આખું નામ બોલવાના મુદ્દે જયા બચ્ચને જગદીપ ધનખડને કહ્યું હતું કે ‘સર, હું આશા રાખું છું કે અમિતાભ નામનો અર્થ તમને ખબર હશે. મને મારાં લગ્ન અને મારા પતિની સફળતાઓ માટે ગૌરવ છે, પણ સંસદમાં આખું નામ બોલવાનો આ નવો ડ્રામા શરૂ થયો છે. આવું અગાઉ થતું નહોતું.’
આ મુદ્દે જગદીપ ધનખડે પણ જયા બચ્ચનને જડબાતોડ જવાબ આપ્યો હતો. આ મુદ્દે તેમણે કહ્યું હતું કે ‘આખા દેશને અમિતાભ બચ્ચનની સિદ્ધિઓ માટે ગૌરવ છે, પણ જયાજી ચૂંટણીપંચ જે સર્ટિફિકેટ આપે છે એમાં નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમે એ નામ બોલીએ છીએ. જો તમારે જોઈતું હોય તો તમારું નામ બદલાવી શકો છો.’
ખટ્ટર પર સાધ્યું નિશાન
જયા બચ્ચને ત્યાર બાદ હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટર પર નિશાન સાધતાં કહ્યું હતું કે ખટ્ટર શા માટે તેમના નામ સાથે તેમની પત્નીનું નામ જોડતા નથી? એ સમયે અપરિણીત ખટ્ટરે કટાક્ષમાં કહ્યું હતું કે ‘મારા નામ સાથે મારી પત્નીનું નામ આવે એ આ જન્મમાં શક્ય નથી. એ માટે તમારે મારા બીજા જન્મ સુધી રાહ જોવી પડશે.’