07 October, 2024 09:57 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
જાની માસ્ટરે ‘સ્ત્રી 2’માં પણ કોરિયોગ્રાફી કરી છે.
ધનુષ અને નિત્યા મેનનની ફિલ્મ ‘થિરુચિત્રમબાલમ’માં મેઘમ કરુકથા ગીતની કોરિયોગ્રાફી માટે જાણીતા કોરિયોગ્રાફર શેખ જાની બાશા ઉર્ફે જાની માસ્ટરને આપવામાં આવનારા બેસ્ટ કોરિયોગ્રાફરના નૅશનલ ફિલ્મ અવૉર્ડને સસ્પેન્ડ કરી દેવાયો છે અને દિલ્હીના વિજ્ઞાનભવનમાં આવતી કાલે આયોજિત ૭૦મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર-વિતરણ સમારોહનું તેમને આપવામાં આવેલું આમંત્રણ પણ રદ કરી દેવામાં આવ્યું છે.
જાની માસ્ટર સામે તેની મહિલા સહકર્મીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હોવાના પગલે માહિતી અને પ્રસારણ ખાતાએ આ નિર્ણય લીધો હતો. સગીર સહકર્મી પર બળાત્કારના કેસમાં જાની માસ્ટરની ૧૯ સપ્ટેમ્બરે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO-પૉક્સો) કાયદા હેઠળ ધરપકડ કરાઈ થઈ હતી. જોકે આ સમારોહ માટે તેને શરતી જામીન આપવામાં આવ્યા હતા.
માહિતી અને પ્રસારણ ખાતાના ડેપ્યુટી ડિરેક્ટર ઇન્દ્રાણી બોઝે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે જાની માસ્ટર સામે લગાવવામાં આવેલા આરોપ ગંભીર હોવાથી અને આ કેસ કોર્ટમાં હોવાથી આગામી આદેશ સુધી આ અવૉર્ડને સસ્પેન્ડ કરવામાં આવે છે અને તેમને અપાયેલું આમંત્રણ રદ કરવામાં આવે છે.