17 August, 2024 10:01 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ચૂંટણીપંચે ગઈ કાલે જમ્મુ અને કાશ્મીર તથા હરિયાણામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. જમ્મુ અને કાશ્મીરમાં ૧૮ સપ્ટેમ્બરથી ત્રણ તબક્કામાં મતદાન થશે અને હરિયાણામાં ૯૦ બેઠકો પર એકસાથે એક જ તબક્કામાં પહેલી ઑક્ટોબરે મતદાન થશે અને બેઉનું પરિણામ ચોથી ઑક્ટોબરે જાહેર કરવામાં આવશે.
જમ્મુ અને કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવ્યા બાદ પહેલી વાર ચૂંટણી યોજાઈ રહી છે. રાજ્યમાં છેલ્લે ૨૦૧૪માં ચૂંટણી યોજાઈ હતી. એના પરિણામ બાદ મેહબૂબા મુફ્તીની પીપલ્સ ડેમોક્રૅટિક પાર્ટી (PDP) અને ભારતીય જનતા પાર્ટી (BJP)ની ગઠબંધન સરકાર બનાવવામાં આવી હતી. જોકે ૨૦૧૮માં BJPએ સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેતાં સરકાર તૂટી પડી હતી અને ગવર્નર સત્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરી હતી. નવેમ્બર ૨૦૧૮થી રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવ્યું હતું. ૨૦૧૯ની પાંચમી ઑગસ્ટે આર્ટિકલ ૩૭૦ હટાવવામાં આવ્યો હતો અને રાજ્યનું બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખ એમ વિભાજન કરવામાં આવ્યું હતું.
હરિયાણામાં વિધાનસભાની મુદત નવેમ્બર મહિનામાં પૂરી થાય છે, જ્યારે સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં ૩૦ સપ્ટેમ્બર પહેલાં મતદાન યોજવાની ડેડલાઇન આપી હતી. હાલમાં હરિયાણામાં BJPની સરકાર છે.
આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં ફારુક અબદુલ્લાની નૅશનલ કૉન્ફરન્સ અને BJPને બે-બે બેઠકો મળી હતી અને એક બેઠક પર અપક્ષ ઉમેદવાર અબ્દુલ રશીદ શેખ ચૂંટાયો હતો. હવે ૯૦ બેઠકો ધરાવતી વિધાનસભાની ચૂંટણીમાં BJP, PDP, કૉન્ગ્રેસ અને નૅશનલ કૉન્ફરન્સ વચ્ચે જંગ થશે. કૉન્ગ્રેસે તમામ ૯૦ બેઠકો પર ઉમેદવારો ઉતારવાનું જાહેર કર્યું છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી મોડી યોજાશે
હરિયાણા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી સાથે યોજાવાની હતી, પણ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી અને અન્ય બીજાં કારણોસર એને મોડી રાખવામાં આવશે એમ ચૂંટણીપંચે જણાવ્યું હતું. મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ, પિતૃપક્ષ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો સાથે ચૂંટણીનું શેડ્યુલ ટકરાય છે અને તેથી ચૂંટણીપંચ મહારાષ્ટ્રની ચૂંટણીની જાહેરાત પછી કરશે. હાલમાં મતદારયાદીને અપડેટ કરવાનું કામ ચાલી રહ્યું છે.
હરિયાણામાં પાંચકોણીય જંગ
હરિયાણામાં પાંચ પક્ષો વચ્ચે જંગ છે. સત્તાધારી BJPનો કાર્યકાળ નવેમ્બરમાં પૂરો થાય છે. અહીં BJP, કૉન્ગ્રેસ, જનનાયક જનતા પાર્ટી (JJP), ઇન્ડિયન નૅશનલ લોક દળ (INLD) અને આમ આદમી પાર્ટી (AAP)નો મુકાબલો છે.