03 February, 2023 10:59 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent
જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું પરફ્યુમ આઇઈડી
શ્રીનગર : વૈષ્ણોદેવીના યાત્રાળુઓને લઈને જતી બસમાં વિસ્ફોટ સહિત અનેક બ્લાસ્ટ્સ કરવા બદલ સરકારી સ્કૂલ ટીચરમાંથી આતંકવાદી બનનારા આરિફની ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસના ડિરેક્ટર જનરલ દિલબાગ સિંહે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘આરિફ રિયાસી જિલ્લાનો છે. જમ્મુના નરવાલમાં રિસન્ટલી થયેલા બેવડા વિસ્ફોટની તપાસના પગલે આરિફની ધરપકડ કરવામાં આવી હતી. આરિફ તેના પાકિસ્તાની હૅન્ડલર્સના ઇશારે કામ કરતો હતો.
આ પણ વાંચો: પાકિસ્તાને આખરે સ્વીકાર્યું કે અમે મુજાહિદ્દીન ઊભા કર્યા, જેઓ આતંકવાદી બની ગયા
જમ્મુ પોલીસે તપાસ દરમ્યાન આરિફ પાસેથી પરફ્યુમ આઇઈડી જપ્ત કર્યું હતું. જમ્મુ-કાશ્મીર પોલીસ વડાએ કહ્યું હતું કે પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં આ પ્રકારનો બૉમ્બ રિકવર કરવામાં આવ્યો છે. આ પરફ્યુમના પૅકેજને પ્રેસ કરાતાં કે ખોલતાં જ આઇઈડી બ્લાસ્ટ થાય. આરિફે ગયા વર્ષે વૈષ્ણોદેવીના યાત્રાળુઓને લઈને જતી બસમાં બૉમ્બ બ્લાસ્ટમાં તેની સંડોવણીની કબૂલાત કરી છે. આ બ્લાસ્ટમાં ચાર જણનાં મોત થયાં હતાં.