૪૦ બેઠકો માટે આજે મતદાન ૮ ઑક્ટોબરે રિઝલ્ટ

01 October, 2024 11:30 AM IST  |  Jammu-Kashmir | Gujarati Mid-day Correspondent

હિઝબુલ્લાના ચીફની હત્યા બાદ આજે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા તબક્કાની ચૂંટણી માટે ભારે બંદોબસ્ત ગોઠવાયો, ૪૦ બેઠકો માટે આજે મતદાન ૮ ઑક્ટોબરે રિઝલ્ટ

ગઈ કાલે જમ્મુમાં પોતપોતાના મતદાનમથક પર જતાં પહેલાં ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન ચેક કરતા પોલિંગ ઑફિસરો.

જમ્મુ અને કાશ્મીરમાં આજે ત્રીજા અને છેલ્લા તબક્કાની ૪૦ બેઠકો માટે મતદાન હોવાથી ચૂંટણીપંચે એ શાંતિથી પાર પડે એના માટે તાડામાર તૈયારી કરી છે. ઇલેક્શન કમિશને સાત જિલ્લામાં થનારી ચૂંટણી માટે ૨૦,૦૦૦ અધિકારીઓને ગઈ કાલે જમ્મુ-કાશ્મીરમાં મોકલ્યા હતા જે આજે ૫૦૬૦ પોલિંગ-સ્ટેશન પર ડ્યુટી બજાવશે.

જે ૪૦ બેઠકો પર આજે ઇલેક્શન છે એમાં જમ્મુની ૨૪ અને કાશ્મીરની ૧૬ છે. પહેલાં બન્ને તબક્કામાં ચૂંટણી શાંતિથી પાર પડી હોવાથી આજના દિવસે પણ વધુમાં વધુ લોકો મતદાન કરવા બહાર આવે એવી આશા ઇલેક્શન કમિશન સહિત તમામ પૉલિટિકલ પાર્ટીઓએ કરી છે. ઇઝરાયલે હિઝબુલ્લાના ચીફ સૈયદ હસન નસરુલ્લાહનો ખાતમો બોલાવ્યો હોવાથી એના વિરોધમાં કાશ્મીરમાં જંગી રૅલી કાઢવામાં આવી હોવાથી એની કોઈ અસર આજની ચૂંટણી પર ન પડે એ માટે તમામ પોલિંગ બૂથ સહિત તમામ સંવેદનશીલ વિસ્તારોમાં જબરદસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. 

415
આજે થઈ રહેલી ૪૦ બેઠકોની ચૂંટણી માટે આટલા ઉમેદવાર મેદાનમાં છે.

39.18
આજે આટલા લાખ મતદારો પોતાની ફરજ બજાવી શકશે.

61.38
પહેલા તબક્કામાં આટલા ટકા મતદાન થયું હતું.

57.31
બીજા તબક્કામાં આટલા ટકા મતદાન થયું હતું.

8
ઑક્ટોબરની આ તારીખે જમ્મુ-કાશ્મીરમાં ઇલેક્શનનું રિઝલ્ટ જાહેર થશે. 

jammu and kashmir kashmir assembly elections election commission of india national news