જયપુરની છથી વધુ શાળાઓમાં બોમ્બની ધમકી, પ્રિન્સિપાલને આવ્યો ઈ-મેઈલ

13 May, 2024 11:20 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

Jaipur Schools Bomb Threat: જયપુરની ઘણી શાળાઓને બોમ્બની ધમકી મળી છે, ઈ-મેઈલ દ્વારા મળેલી આ ધમકી બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ

પ્રતીકાત્મક તસવીર

રાજસ્થાન (Rajasthan) ની રાજધાની જયપુર (Jaipur) ની છથી વધુ શાળાઓને બોમ્બની (Jaipur Schools Bomb Threat) ધમકી મળી છે. ઈ-મેઈલ દ્વારા મળેલી આ ધમકી બાદ પોલીસ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે જણાવ્યું કે વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોને શાળામાંથી બહાર કાઢ્યા બાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને કૂતરાઓ સાથે પોલીસની ટીમો શાળામાં પહોંચી ગઈ છે.

જયપુરના પોલીસ કમિશનર બિજુ જ્યોર્જ જોસેફે જણાવ્યું કે, ચાર શાળાઓને બોમ્બની ધમકી મળી છે. પોલીસ શાળાઓમાં પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે, ધમકી ઈ-મેઈલ દ્વારા આપવામાં આવી હતી અને એક ટીમ ઈ-મેઈલ મોકલનારની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.

મળતી માહિતી મુજબ, એક અજાણ્યા વ્યક્તિએ પ્રિન્સિપાલને ઈ-મેઈલ મોકલીને જણાવ્યું હતું કે સ્કૂલ બિલ્ડિંગમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. આ માહિતી મળતા જ શાળાઓમાં ખળભળાટ મચી ગયો હતો. અરાજકતાનું વાતાવરણ સર્જાયા બાદ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શાળામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી પ્રમાણે, જયપુરની લગભગ આઠ કે તેથી વધુ શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા છે. જેમાં મહેશ્વરી સ્કૂલ (Maheshwari School), વિદ્યા આશ્રમ (Vidyashram School), નિવારુ રોડ સેન્ટ ટેરેસા (St Teresa`s School) સહિત અન્ય સ્કૂલોનો સમાવેશ થાય છે. આ માહિતી બાદ પોલીસ, ફાયર બ્રિગેડ, સિવિલ ડિફેન્સ, એટીએસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને કેમ્પસને ખાલી કરાવ્યા હતા.

એક દિવસ પહેલા એટલે કે, રવિવારે ૧૨ મેના રોજ જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ (Jaipur International Airport) સહિત દેશના અનેક એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા ઈ-મેઈલમાં લખવામાં આવ્યું હતું કે, જયપુર, દિલ્હી (Delhi), અમદાવાદ (Ahmedabad), ગુવાહાટી (Guwahati), જમ્મુ (Jammu), લખનૌ (Lucknow), પટના (Patna), અગરતલા (Agartala), ઔરંગાબાદ (Aurangabad), બઘુગરા (Baghugra), ભોપાલ (Bhopal) અને કાલિકટ (Calicut) એરપોર્ટની ઇમારતોમાં વિસ્ફોટક ઉપકરણો લગાવવામાં આવ્યા છે. ઈ-મેઈલમાં એમ પણ લખ્યું હતું કે, થોડા કલાકોમાં બ્લાસ્ટ થશે. આ ઈ-મેઈલને ધમકી ન ગણો. બોમ્બને ડિફ્યુઝ કરો, નહીં તો ઘણા નિર્દોષ લોકો મરી જશે. રવિવારે બપોરે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (Central Industrial Security Force - CISF) ના ઓફિશિયલ આઈડી પર મળેલા ધમકીભર્યા ઈ-મેલને કારણે એરપોર્ટ પ્રશાસનમાં ખળભળાટ મચી ગયો હતો. માહિતી મળતાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને એરપોર્ટના દરેક ખૂણે-ખૂણે શોધખોળ કરી હતી અને કંઈ ન મળતાં રાહતનો શ્વાસ લીધો હતો.

તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ આવા જ એક ઈ-મેઈલે દિલ્હી-એનસીઆર (Delhi - NCR) ની ૧૫૦થી વધુ શાળાઓમાં હંગામો મચાવ્યો હતો. આ ઈ મેઈલ્સ (Delhi Schools Bomb Threat) માં પણ સ્કૂલોમાં બોમ્બની ધમકીઓ હતી. જોકે, આ ધમકી અફવા સાબિત થઈ હતી.

jaipur rajasthan new delhi national news