જ્યાં સુધી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્ત નહીં થાય ત્યાં સુધી કૃષ્ણનાં દર્શન નહીં કરું

11 November, 2024 06:53 AM IST  |  Vrindavan | Gujarati Mid-day Correspondent

જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યનું એલાન

સ્વામી રામભદ્રાચાર્ય

મથુરામાં કૃષ્ણ જન્મભૂમિ મુક્ત કરવા માટે આંદોલન ચાલી રહ્યું છે એવા સમયે પદ્‍‍મ વિભૂષણ સ્વામી રામભદ્રાચાર્યે એલાન કર્યું છે કે જ્યાં સુધી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્ત નહીં થાય ત્યાં સુધી હું કૃષ્ણનાં દર્શન કરવા નહીં જાઉં.

ચિત્રકૂટમાં તુલસી પીઠના પીઠાધીશ્વર સ્વામી રામભદ્રાચાર્યની વૃંદાવનમાં ચાલી રહેલી કથા સમયે તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્ત નહીં થાય ત્યાં સુધી હું શ્રીકૃષ્ણ જન્મભૂમિનાં દર્શન કરવા નહીં જાઉં અને બાંકે બિહારીનાં પણ દર્શન નહીં કરું.

આ મુદ્દે જયપુરમાં તેમણે જણાવ્યું હતું કે જ્યાં સુધી આ મુદ્દે કોર્ટનો ચુકાદો આપણા પક્ષમાં આવતો નથી ત્યાં સુધી હું કોઈ પણ કૃષ્ણ મંદિરમાં દર્શન કરવા નહીં જાઉં. આ કેસમાં જો મને સાક્ષી તરીકે કોર્ટમાં બોલાવવામાં આવશે તો હું કોર્ટમાં પણ જઈશ.

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર મુદ્દે બોલતાં તેમણે કહ્યું હતું કે ‘મને પૂરો વિશ્વાસ છે કે બહુ જલદી પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર આપણને મળી જશે. એના માટે અમે રાજનૈતિક આહ્‍‍વાન તો કરી રહ્યા છીએ સાથે કૂટનીતિક આહ્‍‍વાન પણ કરીએ છીએ. આધ્યાત્મિક હોવાના કારણે અમે આ માટે યજ્ઞમાં આહુતિ પણ આપી રહ્યા છીએ. એક યજ્ઞ સાલાસારમાં કર્યો હતો, એમાં સવાકરોડ આહુતિ હોમી છે. બીજો યજ્ઞ અયોધ્યામાં કર્યો અને હવે મહાકુંભમાં કરીશું.’ 

કોણ છે સ્વામી રામભદ્રાચાર્ય?
સ્વામી રામભદ્રાચાર્ય ચિત્રકૂટમાં રહે છે. તેમનું વાસ્તવિક નામ ગિરધર મિશ્રા છે અને તેઓ કથાવાચક, હિન્દુ ધર્મગુરુ અને વિદ્ધાન છે. રામાનંદ સંપ્રદાયમાં ચાર જગદગુરુઓમાં તેઓ એક છે અને ૧૯૮૮થી તેઓ આ પદ પર છે. તેઓ ૧૪ ભાષાના વિદ્વાન છે અને બાવીસ ભાષાઓ બોલી શકે છે. તેમણે બે સંસ્કૃત અને બે હિન્દીમાં મળી કુલ ચાર મહાકાવ્યોની રચના કરી છે. તેઓ રામમંદિર આંદોલન સાથે પણ સંકળાયેલા હતા અને એના ઉદ્ઘાટન સમારોહમાં તેઓ ઉમંગભેર સામેલ થયા હતા. બે વર્ષની વયથી તેઓ જોઈ શકતા નથી.

national news india krishna janmabhoomi delhi news new delhi religious places