કુંભમેળામાં એવું કંઈ કરીશું કે પાકિસ્તાનનું નિશાન મટી જશે : આચાર્ય રામભદ્રાચાર્ય

13 November, 2024 11:23 AM IST  |  Jaipur | Gujarati Mid-day Correspondent

કહ્યું કે રાષ્ટ્રની ચિંતા સંત કરે છે, પરિવારવાળો ભક્ત નહીં; આ દેશ ગાંધી પરિવારનો નથી, સનાતનીઓનો છે

આચાર્ય રામભદ્રાચાર્ય

જયપુરમાં વિદ્યાધરનગર સ્ટેડિયમમાં બાલાજી ગૌશાળા સંસ્થાન-સાલાસર અને વિદ્યાધરનગર સ્ટેડિયમ આયોજન સમિતિ દ્વારા આયોજિત રામકથા વખતે બોલતાં જગદગુરુ રામભદ્રાચાર્યએ કહ્યું હતું કે ‘કુંભમેળામાં એવું કંઈ કરીશું કે પાકિસ્તાનનું નિશાન મટી જશે. રાષ્ટ્રની ચિંતા સંત કરે છે, પરિવારવાળો ભક્ત નહીં. આ દેશ ગાંધી પરિવારનો નથી. આ રાષ્ટ્ર અમારું છે, ૧૪૦ કરોડ ભરતવંશીઓનું છે, સનાતનીઓનું છે; વિધર્મીઓનું નથી.’

નવદિવસીય રામકથા માટે જયપુર આવેલા જગદગુરુએ સોમવારે કહ્યું કે ‘જમ્મુ અને કાશ્મીરના મોટા હિસ્સા પર પાકિસ્તાને કબજો જમાવ્યો છે. પાકિસ્તાને પચાવી પાડેલી આ જમીન હનુમાનજીની કૃપાથી પાછી લેવાની છે. હનુમાનજી જ હવે પાકિસ્તાનને હિન્દુસ્તાનની ભૂમિ પરથી ખદેડવાનું કામ કરશે. આ માટે મેં સવા કરોડ આહુતિ આપવાની પ્રતિજ્ઞા કરી છે. દેશભરના લોકોએ આ ધાર્મિક આયોજનમાં સામેલ થવું જોઈએ.’

આ પહેલાં રવિવારે રામાનંદ સંપ્રદાયના જગદગુરુ રામભદ્રાચાર્યે કહ્યું હતું કે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ આપણે પાછી લઈ ચૂક્યા છીએ, હવે શ્રીકૃષ્ણ જન્મભૂમિનો વારો છે. જ્યાં સુધી 
મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિનો હક નહીં મળશે ત્યાં સુધી હું કોઈ પણ કૃષ્ણ મંદિરમાં નહીં જાઉં. 

કેવો હશે મહાકુંભનો યજ્ઞ?

મહાકુંભમાં કરવામાં આવનારા યજ્ઞની વાત કરતાં તેમણે કહ્યું હતું કે અમે એવો યજ્ઞ કરીશું જેવો વિશ્વામિત્રજીએ કર્યો હતો. દશરથજીએ એ યજ્ઞ દ્વારા ભગવાન રામ અને લક્ષ્મણજીને માગ્યા હતા. અમે દેશવાસીઓ પાસે રામ-લક્ષ્મણ નથી માગી રહ્યા, અમે તમામ ભારતવાસીઓનું મન ચાહીએ છીએ. તેઓ પોતાના મનથી યજમાન બનીને આ વર્ષના મહાકુંભમાં યજ્ઞ કરવા પહોંચે.

rajasthan jaipur kumbh mela national news