મિલેટ લોટ ખાવો હવે હેલ્થની સાથે ગજવા માટે પણ ફાયદાકારક

08 October, 2023 12:33 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

પ્રી-પૅકેજ્ડ અને લૅબલવાળા તેમ જ ૭૦ ટકા મિલેટનો ભાગ ધરાવતા મિલેટના લોટ પરનો જીએસટી અત્યારના ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય કરાયો: મિલેટનો લોટ લૂઝ સ્વરૂપમાં વેચવામાં આવે તો એના પર જીએસટી લાગુ નહીં થાય

નવી દિલ્હીમાં ગઈ કાલે જીએસટી કાઉન્સિલની મીટિંગ બાદ મીડિયાને સંબોધી રહેલાં કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ. જીએસટી કાઉન્સિલ ગઈ કાલે એક એમ્નેસ્ટી સ્કીમ લાવી હતી. આ સ્કીમ હેઠળ માર્ચ ૨૦૨૩ સુધીમાં ટૅક્સ ઑફિસર્સ દ્વારા પાસ કરવામાં આવેલા ડિમાન્ડ ઑર્ડર વિરુદ્ધ અપીલ્સ ફાઇલ કરવા માટે કરદાતાઓને ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીનો સમય અપાયો છે.

નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) કાઉન્સિલે ગઈ કાલે એની બાવનમી મીટિંગમાં પ્રી-પૅકેજ્ડ અને લૅબલવાળા તેમ જ ૭૦ ટકા મિલેટનો ભાગ ધરાવતા મિલેટના લોટ પરની જીએસટી અત્યારના ૧૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો નિર્ણય કર્યો હતો. જો મિલેટનો લોટ લૂઝ સ્વરૂપમાં વેચવામાં આવે તો એના પર જીએસટી લાગુ નહીં થાય. મિલેટમાં ખૂબ જ પૌષ્ટિક તત્ત્વો રહેલાં છે અને એનાથી આરોગ્યને ખૂબ જ લાભ થાય છે. ભારતમાં આરોગ્ય પ્રત્યે જાગ્રત લોકો એના તરફ વળ્યા છે. સરકાર એના વધુ ને વધુ ઉપયોગ માટે પ્રોત્સાહન પૂરું પાડે છે. 
કેન્દ્રીય નાણાપ્રધાનની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની મીટિંગમાં જીએસટી અપેલેટ ટ્રિબ્યુનલના પ્રેસિડન્ટ અને એના મેમ્બર્સ માટે મૅક્સિમમ એજની લિમિટ પણ નક્કી કરવામાં આવી હતી. આ અપેલેટ ટ્રિબ્યુનલના પ્રેસિડન્ટની મૅક્સિમમ એજ લિમિટ ૭૦ વર્ષ જ્યારે એના મેમ્બર્સ માટે એજ લિમિટ ૬૭ વર્ષ રહેશે. 
કાઉન્સિલે મૉલાસિસ પરનો જીએસટી ૨૮ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવાનો પણ નિર્ણય કર્યો છે. મૉલાસિસ ગોળના પ્રોડક્શનની બાયપ્રોડક્ટ છે, જેનો મહારાષ્ટ્રના 
રૂરલ વિસ્તારો અને કર્ણાટકમાં સ્વીટનર તરીકે યુઝ થાય છે. 

national news nirmala sitharaman goods and services tax