ઇસરો હવે ચન્દ્ર પરથી પથ્થર લાવશે, ચન્દ્રયાન-૪ માટે ટાર્ગેટ સેટ

16 December, 2023 11:41 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇસરોના ચૅરમૅન ડૉ. એસ. સોમનાથે જણાવ્યું છે કે ઇસરો હવે ચન્દ્ર પરથી એની માટી અને પથ્થરોનું સૅમ્પલ ધરતી પર લાવશે. તેઓ રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટરમાં લેક્ચર આપી રહ્યા હતા.

ઇસરોના ચૅરમૅન ડૉ. એસ. સોમનાથ

નવી દિલ્હીઃ ઇસરોના ચૅરમૅન ડૉ. એસ. સોમનાથે જણાવ્યું છે કે ઇસરો હવે ચન્દ્ર પરથી એની માટી અને પથ્થરોનું સૅમ્પલ ધરતી પર લાવશે. તેઓ રાષ્ટ્રપતિ ભવન કલ્ચરલ સેન્ટરમાં લેક્ચર આપી રહ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને કહ્યું હતું કે ‘હું તમને વિશ્વાસ અપાવું છું કે અમે ચન્દ્ર પરથી પથ્થર લઈને ચોક્કસ આવીશું, એ પણ પોતાના બળે.’
સોમનાથે કહ્યું હતું કે ‘આ મિશન એટલું સરળ નહીં હોય. જો તમે ચન્દ્ર પર જાઓ અને ત્યાંથી પાછા કંઈક લઈને આવવું હોય તો એના માટે અનેક આધુનિક ટેક્નૉલૉજીની જરૂર પડશે. એના માટે આપણે હજી ઘણું કામ કરવાનું બાકી છે. સૅમ્પલ રિટર્ન મિશન ખૂબ જટિલ હોય છે. એ સંપૂર્ણપણે ઑટોમૅટિક થશે. એમાં માણસોની ભૂમિકા ઓછામાં ઓછી રહેશે. આ ટેક્નૉલૉજીને ડેવલપ કરતાં ઓછામાં ઓછાં ચાર વર્ષ લાગશે. એ અમારો ટાર્ગેટ છે.’
ચન્દ્રયાન-૪ મિશનનું નામ લુપેક્સ રાખવામાં આવ્યું છે. લુપેક્સ એટલે કે લુનાર પોલાર એક્સપ્લોરેશન મિશન. જપાન આ પ્રોજેક્ટમાં ભારતની સાથે કામ કરી રહ્યું છે. જપાનની સ્પેસ એજન્સી જાક્સા ચન્દ્ર પર ચાલનારું રોવર બનાવશે, જ્યારે ઇસરો લૅન્ડર બનાવશે. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી એના માટેના ઑબ્ઝર્વેશન ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવશે. એ ઇન્સ્ટ્રુમેન્ટ્સ રોવરની ઉપર મૂકવામાં આવશે.

national news isro chandrayaan 3