30 May, 2023 12:17 PM IST | Sriharikota | Gujarati Mid-day Correspondent
નેવિગેશન સૅટેલાઇટને લઈને શ્રીહરિકોટાથી ગઈ કાલે ઊડેલું ઇસરોનું જીએસએલવી રૉકેટ.
ઇસરોએ ગઈ કાલે દેશનો પહેલો સેકન્ડ જનરેશન નેવિગેશન સૅટેલાઇટ એનવીએસ-૦૧ને સફળતાપૂર્વક ભ્રમણ કક્ષામાં મૂક્યો હતો. ૨૨૩૨ કિલોનો આ ઉપગ્રહ ઇન્ડિયન સૅટેલાઇટ નેવિગેશન સિસ્ટમ એનએવીઆઇસી અથવા તો ઇન્ડિયન રીજનલ નેવિગેશન સૅટેલાઇટ સિસ્ટમ (આઇઆરએનએસએસ)નો એક ભાગ છે. એને નાવિક તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આ એક ભારતીય ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ (જીપીએસ) છે. સવારે ૧૦.૪૨ વાગ્યે આ ઉપગ્રહને ૬૧.૭ મીટર ઊંચા અને ૪૨૦ ટનવાળા જીએસએલવી રૉકેટ દ્વારા આકાશમાં લઈ જવામાં આવ્યો હતો. દરમ્યાન ઇસરોના રૉકેટ મિશન કન્ટ્રોલ રૂમમાં તમામ વૈજ્ઞાનિકો રૉકેટની પ્રગતિને તેમના કમ્પ્યુટર સ્ક્રીનમાં જોઈ રહ્યા હતા. રૉકેટે માત્ર ૧૯ મિનિટમાં ઉપગ્રહ પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકી દીધો હતો. ત્યાર બાદ ઉપગ્રહને યોગ્ય સ્થળે લઈ જવામાં આવશે. આ સિસ્ટમમાં કુલ નવ ઉપગ્રહો છે, જેમાં સાત ભ્રમણકક્ષામાં તો બે વધારાના છે. આ ઉપગ્રહની મિશન લાઇફ ૧૨ વર્ષની છે.
ત્રણ ફાયદા |
ઝોમૅટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી અને ઓલા-ઉબેર જેવા સર્વિસ નેવિગેશન માટે જીપીએસનો ઉપયોગ કરે છે. નાવિક આ કંપનીનો ખર્ચો ઓછો કરી શકે છે. નાવિકને કારણે અમેરિકાના જીપીએસ પરથી નિર્ભરતા ઘટશે. નાવિક ટેક્નૉલૉજી ટ્રાવેલ અને ટૂરિઝમ ઇન્ડસ્ટ્રીને પણ મદદ કરી શકે છે.
અમેરિકાએ મદદ કરવાની ના પાડી |
૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમ્યાન ભારત સરકારે ઘૂસણખોરી કરનારા પાકિસ્તાનના સૈનિકોની સ્થિતિ જાણવા માટે અમેરિકા પાસે મદદ માગી હતી, ત્યારે અમેરિકાએ જીપીએસ સપોર્ટ આપવાની ના પાડી હતી ત્યારથી જ ભારત પોતાની નેવિગેશન સિસ્ટમ બનાવવાના કામમાં લાગી પડ્યું હતું.