24 August, 2024 09:47 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સોમનાથે દિલ્હીમાં ભારત મંડપમમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું બહુમાન કર્યું હતું
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO)એ ચંદ્ર પર મોકલેલા ચંદ્રયાન-૩ મિશન દ્વારા મોકલવામાં આવેલી સાયન્ટિફિક જાણકારી વૈશ્વિક રિસર્ચરો માટે જાહેર કરી દીધી છે. ગયા વર્ષે ૨૩ ઑગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-૩એ સફળતાપૂર્વક લૅન્ડિંગ કર્યું હતું. ચંદ્રયાન-૩ને ચંદ્રની ધરતી પર લૅન્ડિંગ થવાને એક વર્ષ પૂરું થવાના પ્રસંગે આ જાણકારી જાહેર કરતી વખતે ISROના ચૅરમૅન એસ. સોમનાથે જણાવ્યું હતું કે અમે આ ડેટા અમારા પૂરતા સીમિત રાખવા માગતા નથી, પણ દુનિયાભરમાં જે લોકો ચંદ્ર વિશે રિસર્ચ કરતા હોય તેમના માટે ઉપલબ્ધ છે. ચંદ્રયાન-૩ના વિક્રમ લૅન્ડરના ત્રણ અને પ્રજ્ઞાન રોવરના બે મળી કુલ પાંચ પેલોડના આશરે પંચાવન ગીગા બાઇટ ડેટા જાહેર કરવામાં આવ્યા છે.
૨૦૨૩ની ૨૩ ઑગસ્ટે ચંદ્રની સપાટી પર વિક્રમ લૅન્ડરના સફળ ઉતરાણને ગઈ કાલે પહેલવહેલા નૅશનલ સ્પેસ ડે તરીકે ઊજવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ISROના ચૅરમૅન એસ. સોમનાથે દિલ્હીમાં ભારત મંડપમમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું બહુમાન કર્યું હતું. ભારત મંડપમમાં ગઈ કાલે એક સ્પેસ-એક્ઝિબિશન પણ યોજાયું હતું જેની મુલાકાત સ્કૂલના વિદ્યાર્થીઓએ લીધી હતી.