23 April, 2023 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીહરિકોટામાં ગઈ કાલે સતીશ ધવન સ્પેસ સ્ટેશન ખાતેથી લૉન્ચ બાદ સિંગાપોરના બે સૅટેલાઇટ્સને લઈને ઉડાન ભરી રહેલું ઇસરોનું પીએસએલવી-સી55.
શ્રીહરિકોટા (પી.ટી.આઇ.)ઃ ઇસરોના પોલાર સૅટેલાઇટ લૉન્ચ વેહિકલે ગઈ કાલે સિંગાપોરની બે સૅટેલાઇટ્સને નિર્ધારિત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક સ્થાપિત કર્યા હતા. ઇસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન)એ આ જાણકારી પૂરી પાડી હતી. આ બે સૅટેલાઇટ્સ માટે ઇસરોની કમર્શિયલ વિંગ ન્યુસ્પેસ ઇન્ડિયા લિમિટેડ દ્વારા ઑર્ડર મેળવવામાં આવ્યો હતો.
૨૨.૫ કલાકના કાઉન્ટડાઉનના અંતે ૪૪.૪ મીટર ઊંચા રૉકેટે ચેન્નઈથી ૧૩૫ કિલોમીટરના અંતરે આવેલા શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે પહેલાંથી નક્કી કરવામાં આવેલા બપોરના ૨.૧૯ વાગ્યાના સમયે પ્રથમ લૉન્ચ પેડ પરથી ઉડાન ભરી હતી.
ઇસરોના વડા એસ. સોમનાથે જણાવ્યું હતું કે ‘પીએસએલવીએ એના ૫૭મા મિશનમાં વધુ એક વખત પોતાની અત્યંત વિશ્વસનીયતા અને આ ક્લાસના કમર્શિયલ મિશનને પાર પાડવા માટે એની યોગ્યતા રજૂ કરી છે.’