05 April, 2023 02:32 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કોવિડ વાઇરસ સતત મ્યુટેટ થયા કરે છે અને ભારતમાં અત્યાર સુધી ૨૧૪ જુદા-જુદા વેરિઅન્ટ્સ જોવા મળ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ એક ઇન્ટરવ્યુમાં આ વાત જણાવી હતી. તેમણે કહ્યું કે ‘કોરોનાના કેસમાં તાજેતરમાં વધારો થયો છે ત્યારે ભારત સરકાર આ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. આઇસીયુ બેડ, ઑક્સિજન-સપ્લાય અને અન્ય મહત્ત્વની આરોગ્ય સુવિધાઓ છે અને તૈયારીની વીકલી સમીક્ષા કરવામાં આવે છે. કોરોનાના વાઇરસના બિહેવિયર વિશે આગાહી કરવી અશક્ય છે. અત્યારે કોરોનાના સબ-વેરિઅન્ટ્સને કારણે કેસ આવી રહ્યા છે, જે ભયજનક નથી.’
અત્યારે સમગ્ર દેશમાં, ખાસ કરીને યુવાનો અને તંદુરસ્ત લોકોમાં હાર્ટ-અટૅકના કેસ વધુ આવી રહ્યા છે ત્યારે એના વિશે માંડવિયાએ કહ્યું કે ‘કોરોના સાથે એનું કોઈ કનેક્શન છે કે નહીં એની આરોગ્ય મંત્રાલય તપાસ કરી રહ્યું છે. કેન્દ્ર સરકારે યુવાનોમાં તાજેતરમાં હાર્ટ-અટૅકના પ્રમાણમાં વધારાનું કોરોના સાથે કોઈ કનેક્શન છે કે નહીં એ શોધવા માટે રિસર્ચ શરૂ કરાવ્યું છે. એનાં રિઝલ્ટ્સ બેથી ત્રણ મહિનામાં આવે એવી શક્યતા છે.’
તેમણે વધુમાં જણાવ્યું કે ‘આપણે જોયું છે કે અનેક યંગ આર્ટિસ્ટ્સ, ઍથ્લીટ્સ, સ્પોર્ટ્સપર્સનનું પર્ફોર્મ કરતી વખતે મૃત્યુ થયું છે. જુદી-જુદી જગ્યાએથી એવા રિપોર્ટ આવ્યા છે. આ મામલે તપાસ કરવાની જરૂર છે.’ કોરોનાની મહામારીની ચોથી લહેરની શક્યતા વિશે પૂછવામાં આવતાં આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે અલર્ટ રહેવાની જરૂર છે.