13 April, 2023 12:13 PM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
સચિન પાઇલટ અને અરવિંદ કેજરીવાલ
નૅશનલ પાર્ટીનો દરજ્જો મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી (આપ)ની નજર હવે રાજસ્થાન પર છે. રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ સીએમ સચિન પાઇલટનો સાથ મેળવવા માટે પણ કોશિશ થઈ રહી છે. આમ આદમી પાર્ટી શરૂઆતથી જ રાજસ્થાનના અત્યારના સીએમ અશોક ગેહલોટ અને ભૂતપૂર્વ સીએમ વસુંધરા રાજે વચ્ચે ખાસ ‘મિત્રતા’નો આરોપ મૂકતી રહી છે. આ જ કારણે મંગળવારે સચિન પાઇલટ ધરણા પર બેઠા હતા ત્યારે આમ આદમી પાર્ટીએ બીજેપી અને કૉન્ગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરીને કૉન્ગ્રેસની મુશ્કેલીને પોતાના માટે તકમાં ફેરવવાની કોશિશ શરૂ કરી દીધી હતી.
આમ આદમી પાર્ટીના નેતાઓએ પાઇલટને સપોર્ટ આપતાં દાવો કર્યો છે કે રાજસ્થાનમાં વર્ષોથી ભ્રષ્ટ સીએમની સરકાર રહી છે કે જે એકબીજાનો સરકારમાં રહીને બચાવ કરે છે. આપના રાજસ્થાનના પ્રવક્તા અમિત શર્માએ કહ્યું હતું કે ‘છેલ્લાં સાડાચાર વર્ષથી વસુંધરા રાજેના શાસનમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવી નથી અને એનો પુરાવો સચિન પાઇલટ જ આપી રહ્યા છે. એવામાં કૉન્ગ્રેસ અને બીજેપીનો એકબીજા પ્રત્યેનો વિરોધ માત્ર દેખાડો છે, જેનો આમ આદમી પાર્ટીએ પહેલાં જ પર્દાફાશ કર્યો છે.’
આમ આદમી પાર્ટીનો ટ્રૅક રેકૉર્ડ છે કે આ પાર્ટી એવાં રાજ્યોમાં મજબૂત થઈ છે કે જ્યાં કૉન્ગ્રેસ પાર્ટી મજબૂત હતી. દિલ્હીમાં સરકારની વિરુદ્ધ આંદોલન ચલાવીને આમ આદમી પાર્ટીએ ૨૦૧૨ની ૨૬ નવેમ્બરે પૉલિટિકલ પાર્ટી તરીકે ઓળખ બનાવી હતી. આમ આદમી પાર્ટી અહીં સરકાર બનાવવામાં સફળ રહી હતી. એના પછી કૉન્ગ્રેસ પાર્ટીએ દિલ્હી ગુમાવવું પડ્યું છે. આમ આદમી પાર્ટીએ એ પછી પંજાબને પણ કબજે કર્યું. કૉન્ગ્રેસને હરાવવામાં ૨૦૧૭માં આમ આદમી પાર્ટીને સફળતા નહોતી મળી. જોકે, કૉન્ગ્રેસની આંતરિક લડાઈનો જોરદાર ફાયદો ઉઠાવીને ૨૦૨૨માં પંજાબમાં સરકાર બનાવવામાં એ સફળ રહી હતી. પંજાબમાં કૉન્ગ્રેસનાં જૂથો વચ્ચેની આંતરિક લડાઈને રોકવામાં કૉન્ગ્રેસ હાઈ કમાન્ડ નિષ્ફળ રહ્યું હતું.
પંજાબમાં કૉન્ગ્રેસના નેતાઓ અંદરોઅંદર લડતા રહ્યા અને આમ આદમી પાર્ટીને એનો પૂરેપૂરો ફાયદો મળ્યો. હવે આપ પંજાબની જેમ રાજસ્થાનમાં પણ અશોક ગેહલોટ અને સચિન પાઇલટ વચ્ચેની લડાઈનો ફાયદો મેળવવા માગે છે.
ગેહલોટજી, તમારા તો બન્ને હાથમાં લાડવા છે : પીએમ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે વિડિયો કૉન્ફરન્સ દ્વારા રાજસ્થાનની પહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી હતી, જે અજમેર અને દિલ્હી કૅન્ટૉનમેન્ટની વચ્ચે દોડશે.
ખાસ વાત એ છે કે વડા પ્રધાને અહીં પોતાના સંબોધનમાં રાજસ્થાનના રાજકારણમાં હંગામાની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘હું ગેહલોટજીનો ખાસ કરીને આભાર વ્યક્ત કરું છું. અત્યારે તેઓ રાજકીય તોફાનનો, અનેક સંકટનો સામનો કરતા હોવા છતાં પણ વિકાસના કામ માટે સમય કાઢીને આવ્યા અને મારા કાર્યક્રમમાં ભાગ લીધો એના માટે હું તેમનું સ્વાગત અને અભિનંદન આપું છું. હું ગેહલોટજીને કહેવા ઇચ્છું છું કે તમારા તો બન્ને હાથમાં લાડવા છે. રેલવેપ્રધાન રાજસ્થાનના છે અને રેલવે બોર્ડના ચૅરમૅન પણ રાજસ્થાનના છે.’