05 June, 2024 02:13 PM IST | Indore | Gujarati Mid-day Correspondent
શંકર લાલવાણી
ગઈ કાલે જાહેર થયેલા લોકસભાના પરિણામમાં ઇન્દોરની બેઠક પર ત્રણ નવા રેકૉર્ડ થયા હતા. આ બેઠક પર કૉન્ગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બામે પોતાનું નામ પાછું ખેંચી લેતાં BJPના શંકર લાલવાણીની રેકૉર્ડબ્રેક જીત થઈ હતી.
શંકર લાલવાણીને ૧૨,૨૬,૭૫૧ મત મળ્યા હતા. જે કોઈ એક ઉમેદવારને ઇલેક્શનમાં મળેલા સૌથી વધારે વોટ છે. કૉન્ગ્રેસનો કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી ઇન્દોર BJPના શંકર લાલવાણીનો ૧૦,૦૮,૦૭૭ મતથી વિજય થયો છે જે અત્યાર સુધીનો સૌથી મોટો વિજય છે. આ પહેલાં ૨૦૧૯માં નવસારી બેઠક પરથી BJPના સી. આર. પાટીલ ૬.૯૦ લાખ મતથી જીત્યા હતા જે અત્યાર સુધીનું સૌથી મોટું માર્જિન હતું.
આ બેઠક પર કૉન્ગ્રેસનો કોઈ ઉમેદવાર ન હોવાથી લોકોએ BJPના ઉમેદવાર બાદ સૌથી વધારે મત નન ઑફ ધ અબોવ (NOTA)ને આપ્યો હતો. NOTAને મળેલા ૨,૧૮,૬૭૪ મત એ નવો રેકૉર્ડ છે. ગઈ ચૂંટણીમાં બિહારની ગોપાલગંજ બેઠક પર મતદારોએ સૌથી વધારે ૫૧,૬૦૦ મત NOTAને આપ્યા હતા.