ઈન્ડિગોના ઉપમામાં હોય છે ભરપૂર સોડિયમ… યુઝરની આ વાતને નકારી કંપનીએ

18 April, 2024 09:00 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

IndiGo Upma Row: ઈન્ડિગોમાં પીરસવામાં આવતા ઉપમા, પોહા અને દાળ-ભાતમાં સોડિયમનું પ્રમાણ વધુ હોવાનો દાવો કર્યો હતો સોશિયલ મીડિયા યુઝરે

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા થોડાક સમયથી ફ્લાઇટ્સમાં બનતી વિચિત્ર ઘટનાઓ અવારનવાર સોશ્યલ મીડિયા (Social Media) પર વાયરકલ થાય છે. હવે ફ્લાઇટમાં બનેલી વધુ એક ઘટના વાયરલ થઈ છે. ઈન્ડિગો (IndiGo) ની ફ્લાઇટમાં પિરસવામાં આવતા ઉપમામાં સોડિયમ (IndiGo Upma Row) નું પ્રમાણ વધુ હોય છે તેવું કહ્યું હતું. ત્યારબાદ આજે ઈન્ડિગોએ આ વિશે સ્પષ્ટતા કરી છે.

એક સોશિયલ મીડિયા યુઝરે દાવો કર્યો છે કે, ઈન્ડિગો એરલાઈનના વિમાનમાં મુસાફરોને પીરસવામાં આવતા ઉપમા, દાળ-ભાત અને પોહામાં સોડિયમની માત્રા મેગી (Maggi) કરતા વધુ છે. જોકે, એરલાઈને આ દાવાને રદિયો આપ્યો છે અને કહ્યું છે કે તેના પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સમાં મીઠાની માત્રા નિર્ધારિત ધોરણોની અંદર છે.

સોશ્યલ મીડિયા યુઝર રેવંત હિમતસિંગકા (Revant Himatsingka) `ફૂડ ફાર્મર` (Food Pharmer) એ સોશ્યલ મીડિયા પર કહ્યું છે કે, ઈન્ડિગો ફ્લાઈટમાં પીરસવામાં આવતા ફૂડ સાથે સંબંધિત એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. તેણે બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) જે પહેલા ટ્વિટર (Twitter) તરીકે જાણીતું હતું તેના પર જણાવ્યું હતું કે, આપણામાંથી મોટાભાગના લોકો જાણે છે કે મેગીમાં ઘણું સોડિયમ હોય છે. પરંતુ આપણે જે નથી જાણતા તે એ છે કે ઈન્ડિગોની `મેજિક ઉપમા`માં મેગી કરતાં ૫૦ ટકા વધુ સોડિયમ અને પોહા કરતાં ૮૩ ટકા વધુ સોડિયમ છે. તેની દાળ અને ભાતમાં પણ મેગી જેટલું જ સોડિયમ હોય છે.

અહીં જુઓ રેવંત હિમતસિંગકાનું ટ્વિટઃ

આ પોસ્ટની નીચે સોશ્યલ મીડિયા યુઝર રેવંત હિમતસિંગકાએ એમ પણ લખ્યું છે કે, એરલાઈન્સમાં આપણને વધુ પડતા મીઠાનો સ્વાદ નથી લાગતો તેનું એક કારણ એ છે કે ઊંચી ઊંચાઈ આપણી સ્વાદ કળીની સંવેદનશીલતા ઘટાડે છે. આ પણ એક કારણ છે કે મોટાભાગની એરલાઇન્સ આપણા ખોરાકમાં વધુ પડતું મીઠું ઉમેરે છે.

ઈન્ડિગોએ ગુરુવારે આ દાવા પર પ્રતિક્રિયા આપી હતી કે, કેટલાક પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પરંપરાગત ભારતીય ભોજન પ્રમાણે તૈયાર કરવામાં આવે છે અને તેમાં મીઠાનું પ્રમાણ પણ નિર્ધારિત ધોરણોની અંદર છે. ઈન્ડિગો માત્ર સૌથી પ્રતિષ્ઠિત વિક્રેતાઓ પાસેથી મેળવેલ તાજું અને પેકેજ્ડ ફૂડ પીરસે છે. ઈન્ડિગો ફ્લાઈટ્સ પર પીરસવામાં આવતા તમામ ભોજનમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા - એફએસએસઆઇ (Food Safety and Standards Authority of India – FSSAI) ધોરણો મુજબ ઘટકો અને પોષક માહિતી હોય છે.

નોંધનીય છે કે, આ વર્ષે જાન્યુઆરીની શરૂઆતમાં, ફૂડ સેફ્ટી વોચડોગ FSSAIએ ફ્લાઇટમાં મુસાફરોને પીરસવામાં આવેલી સેન્ડવિચમાં કીડો મળી આવ્યા પછી ઈન્ડિગોને કારણ બતાવો નોટિસ જારી કરી હતી. ઈન્ડિગોએ આ ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેણે ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળવા માટે પહેલાથી જ પગલાં લીધાં છે.

indigo viral videos social media social networking site india national news