14 December, 2022 09:07 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હી ઍરપોર્ટ પર ભારે ભીડનો આ ફોટોગ્રાફ સોશ્યલ મીડિયા પર સર્ક્યુલેટ થઈ રહ્યો છે
સિવિલ એવિએશન મંત્રાલયે ઍરપોર્ટ્સ પર ભારે ભીડની સમસ્યા દૂર કરવા તમામ ચેક-ઇન અને બૅગેજ ડ્રૉપ કાઉન્ટર્સ પર પૂરતા કર્મચારીઓ મૂકવા તમામ ઍરલાઇન્સને જણાવ્યું છે
દિલ્હી ઍરપોર્ટ પર ભારે ભીડના કારણે પૅસેન્જર્સ પરેશાન થઈ ગયા છે. અહીં તેમણે લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવું પડે છે. ઍરપોર્ટ પર ચેક-ઇનમાં પૅસેન્જર્સે ખૂબ જ વિલંબનો સામનો કરવો પડી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર એના વિશે અનેક ફરિયાદ કરતાં કેન્દ્રીય એવિયેશનપ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ સિનિયર અધિકારીઓની સાથે સ્થિતિની સમીક્ષા કરવા માટે ઍરપોર્ટની મુલાકાત પણ લીધી હતી.
સ્થિતિ એ છે કે ઍરલાઇન ઇન્ડિગોએ ટ્રાવેલ ઍડ્વાઇઝરી ઇશ્યુ કરી છે, જેમાં પૅસેન્જર્સને ડોમેસ્ટિક ફ્લાઇટ્સના ઓછામાં ઓછા સાડાત્રણ કલાક વહેલા ઍરપોર્ટ પહોંચવા જણાવાયું છે. પૅસેન્જર્સને સિક્યૉરિટી ચેકિંગમાંથી સરળતાથી પસાર થવાય એના માટે સાત કિલો વજનવાળું માત્ર એક હૅન્ડ બૅગેજ સાથે રાખવાની સલાહ આપવામાં આવી છે.
ટ્રાન્સપોર્ટ, ટૂરિઝમ અને સાંસ્કૃતિક બાબતોની સંસદની સ્થાયી સમિતિએ ઍરપોર્ટ પર ભારે ભીડનાં કારણો જણાવવા માટે દિલ્હી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડના સીઈઓને સમન્સ આપ્યા છે.
દિલ્હી ઍરપોર્ટ પર ભારે ભીડ અને લાંબી કતારથી પરેશાન અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર તેમની નારાજગી અને નિરાશા ઠાલવી હતી. અનેક યુઝર્સ ઍરપોર્ટની ફિશ માર્કેટ કે રૅશનની દુકાનની સાથે સરખામણી કરી રહ્યા છે.