12 February, 2023 08:58 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી (તસવીર સૌજન્ય મિડ-ડે)
નવી દિલ્હી : અમેરિકાએ ગઈ કાલે જણાવ્યું હતું કે યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે હજી સમય છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો અંત લાવવાની દિશામાં કોઈ પણ પ્રયાસને અમેરિકા આવકારશે.
વાઇટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જૉન કિર્બીએ કહ્યું હતું કે ‘રશિયન પ્રેસિડેન્ટ વ્લાદિમીર પુતિન આ યુદ્ધને રોકી દે એ માટે હજી સમય છે. પીએમ મોદી મનાવી શકે છે. પીએમ મોદી એના માટે જે કોઈ પણ પ્રયાસ કરવા ઇચ્છતા હોય એને અમારું સમર્થન છે.’
વાસ્તવમાં કિર્બીને સવાલ કરવામાં આવ્યો હતો કે શું પીએમ નરેન્દ્ર મોદી મધ્યસ્થી કરીને આ યુદ્ધને અટકાવી શકે છે.
વાઇટ હાઉસનું આ સ્ટેટમેન્ટ એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે મૉસ્કોમાં પ્રેસિડન્ટ પુતિનની સાથે મુલાકાત કરી હતી.
ગયા વર્ષે શાંઘાઈ કો-ઑપરેશન ઑર્ગેનાઇઝેશન સમિટ દરમ્યાન પીએમ મોદીએ કહ્યું હતું કે ‘આજનો યુગ યુદ્ધનો નથી.’ આ સ્ટેટમેન્ટની અમેરિકા સહિત અનેક દેશોએ પ્રશંસા કરી હતી.