15 December, 2022 09:31 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ભારતીય સૈનિકોની ડંડાવાળી થઈ વાઇરલ
નવી દિલ્હી : પોતાની આર્થિક તાકાતના દમ પર ચીન પોતાની વિસ્તારવાદી નીતિને છોડવા માગતો નથી. તેમ જ વિવિધ પાડોશી દેશોના વિસ્તાર કબજો કરવાની ફિરાકમાં હોય છે. ફરી એક વાર તેણે ભારત સામે પીછેહટ કરવી પડી છે. અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરના યાંગત્સેમાં ચીનના સૈનિકોએ ફરીથી ભારતની જમીન પર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. ચીનના સૈનિકો ભારતીય પોસ્ટ પર કબજો કરવા માટે આવ્યા હતા, પરંતુ ભારતના સૈનિકોએ એમને ફટકાર્યા હતા. કડકડતી ઠંડીમાં ભારતીય જવાનોએ ચીન પર એટલી બધી લાઠીઓ વરસાવી હતી કે ચીનના સૈનિકોની હાલત ખરાબ થઈ ગઈ હતી. એલએસી પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચેના સંઘર્ષનો વિડિયો આવ્યો છે, જેમાં ભારતીય સૈનિકો ચીનના સૈનિકોને જવાબ આપતા દેખાય છે. જોકે આ વિડિયો ૨૦૨૧નો છે કે બીજો એ વિશે ભારત સરકાર તરફથી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
નવી દિલ્હી (આઇ.એ.એન.એસ.): રાજ્યસભામાં ગઈ કાલે ચીનની ઘૂસણખોરી પર ચર્ચા કરવાની ના પાડવામાં આવતાં વિરોધ પક્ષે વૉકઆઉટ કર્યું હતું.
વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમાં આ મુદ્દો ઉઠાવવાની કોશિશ કરતાં નાયબ ચૅરમૅને કહ્યું હતું કે સંરક્ષણપ્રધાને મંગળવારે જ આ મુદ્દે નિવેદન કર્યું હતું. જોકે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ઘણાં એવાં તથ્યો છે જે જાહેર ક્ષેત્રમાં મૂકવામાં આવ્યાં નથી અને સભ્યો અને લોકો હકીકતો જાણવા માગે છે. એથી ચર્ચાની મંજૂરી આપવી જોઈએ. વિરોધ પક્ષોએ ચર્ચા કરવા દેવાય એ માટે સૂત્રોચ્ચાર કરવા માંડ્યા છતાં ચર્ચાની મંજૂરી ન અપાતાં તેમણે ગૃહમાંથી વૉકઆઉટ કર્યું હતું. આ પૂર્વે વિરોધ પક્ષે ખડગેની રૂમમાં મળીને દિવસની વ્યુહરચના ઘડી હતી.
સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહે મંગળવારે સંસદમાં ચીનની ઘૂસણખોરી પર નિવેદન આપ્યું હતું.
વૉશિંગ્ટન: અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને અમેરિકાએ ચીનની ઉશ્કેરણીજનક કાર્યવાહી ગણાવી છે. ભારત અને ચીન સીમા પર તવાંગમાં થયેલા સંઘર્ષ પર અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઇસે કહ્યું હતું કે અમે ભારત સાથે દિલ્હી અને વૉશિંગ્ટન બન્ને સ્થળેથી સતત સંપર્કમાં છીએ. અમેરિકા એકતરફી સરહદમાં ફેરફારના કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરે છે. અમેરિકાએ કહ્યું હતું કે એ ભારતની સાથે છે. ચીન ઉશ્કેરણીજનક કાર્યવાહી કરે તો અમેરિકા પોતાના મિત્ર દેશની સાથે હંમેશાં રહેશે. વાઇટ હાઉસે મંગળવારે કહ્યું હતું કે અમેરિકાને એ વાતથી આનંદ છે કે ભારત અને ચીન બન્ને અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયેલા સંઘર્ષ બાદ બહુ ઝડપથી પાછા હટી ગયા હતા.
નવી દિલ્હી : ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશના તવાંગમાં થયેલી હિંસક અથડામણને લઈને યુનાઇટેડ નેશન્સના જનરલ સેક્રટેરી ઍન્ટોનિયો ગુટરેસે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ભારત-ચીન સરહદ પર તનાવને ઘટાડવા માટે અપીલ કરી હતી. યુએનના જનરલ સેક્રેટરીના પ્રવક્તા સ્ટીફનને જ્યારે ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ પર પ્રતિક્રિયા પૂછવામાં આવી તો તેમણે કહ્યું હતું કે અમે આ વિશેના અહેવાલ જોયા છે. અમે આ વિસ્તારોમાં તનાવ ઓછો કરવા માટે
આહ્વાન કરીએ છીએ. તેમ જ એ જોવું રહ્યું કે આ વિસ્તારમાં તનાવ ન વધે.