લોકો ગભરાયા વગર હવાઈ પ્રવાસ કરે, તેમની સુરક્ષાને કોઈ ખતરો નથી

21 October, 2024 07:09 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

પ્લૅનમાં બૉમ્બ મુકાયાના સતત આવી રહેલા ધમકીભર્યા ફોન વચ્ચેબ્યુરો ઑફ સિવિલ એવિએશન સિક્યૉરિટીએ કરી સ્પષ્ટતા

પ્રતીકાત્મક તસવીર

અવારનવાર પ્લેનમાં બૉમ્બ મુકાયાના ધમકીભર્યા કૉલ આવે છે અને એ પછી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ જાય છે. પૂરતી અને ઝીણવટભરી તપાસ બાદ કશું હાથ લાગતું નથી છતાં પૅસેન્જરોએ કલાકો સુધી હેરાન થવું પડે છે અને એને લીધે ફ્લાઇટ મોડી પડે છે. જોકે હવે બ્યુરો ઑફ સિવિલ એવિયેશન સિક્યૉરિટી ઝુલ્ફીકાર હસને કહ્યું છે કે પ્લેનમાં બૉમ્બ મુકાયાના જે હૉક્સ કૉલ આવે છે એને રોકવા માટેનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ બાબતે તેઓ સિક્યૉરિટી એજન્સીઓ અને ઍરલાઇન્સ સાથે સેફ્ટી અને સિક્યૉરિટી બાબતે ચર્ચા કરી રહ્યા છે અને એનો વહેલી તકે અમલ કરવામાં આવશે.

ઝુલ્ફીકાર હસને તો ત્યાં સુધી કહ્યું છે કે ‘ભારતીય આકાશ હવાઈ પ્રવાસ માટે પૂર્ણપણે સુરક્ષિત છે. અત્યારે પ્રોટોકૉલ કડક રીતે ફૉલો કરવામાં આવે છે અને એ મુજબ ઝીણવટભરી તપાસ થાય જ છે. અમે પૅસેન્જરોને કહેવા માગીએ છીએ કે તેઓ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પ્રવાસ કરે. એટલું જ નહીં, વધુ ને વધુ પ્રવાસ કરે.’

બ્યુરો ઑફ સિવિલ એવિયેશન સિક્યૉરિટી સાથેની ઍરલાઇન્સના પ્રતિનિધિઓની બેઠકમાં ઍરલાઇન્સ દ્વારા રજૂઆત કરતાં કહેવામાં આવ્યું હતું કે હાલમાં હવે તહેવારોની સીઝનમાં પુષ્કળ ગિરદી હશે ત્યારે જો આવી ઘટના બને તો આખા તંત્ર પર એની અસર થાય. બૉમ્બ હૉક્સને કારણે ચેકિંગ થાય. એની પાછળની ફ્લાઇટ્સ ડિલે થાય. પૅસેન્જરોને પણ સાચવવા પડે. ગ્રાઉન્ડ સ્ટાફ, સિક્યૉરિટી એજન્સી એમ બધાએ એમાં સંકળાવું પડે અને આખું શેડ્યુલ ખોરવાઈ જાય.  

બૉમ્બની ધમકીને પગલે વધુ ૨૪ ફ્લાઇટની સર્વિસને અસર

વિમાનોમાં બૉમ્બ મૂકવાની ધમકીઓને પગલે ગઈ કાલે પણ વિસ્તારા અને આકાસા ઍરલાઇન્સની ફ્લાઇટો સહિત કુલ ૨૪ ફ્લાઇટોને અસર થઈ હતી. ધમકીઓને પગલે ઍરલાઇન્સોએ ઇમર્જન્સી પ્રોટોકૉલને અમલી બનાવી હતી અને પાઇલટોને ધમકી મળતાં જ ફ્લાઇટો ડેસ્ટિનેશન પર પહોંચતાં પહેલાં જ વિમાનોને લૅન્ડ કરવાનું જણાવી દેવામાં આવ્યું હતું.

ઍર આકાસાની લખનઉથી મુંબઈ જઈ રહેલી ફ્લાઇટમાં બૉમ્બ મૂકવાની ધમકી મળી હતી. બીજી તરફ વિસ્તારા ઍરલાઇન્સની છ ફ્લાઇટો દિલ્હીથી ફ્રેન્કફર્ટ, સિંગાપોરથી મુંબઈ, બાલીથી દિલ્હી, સિંગાપોરથી દિલ્હી, સિંગાપોરથી પુણે અને મુંબઈથી સિંગાપોરને બૉમ્બની ધમકી મળી હતી. રાજસ્થાનના ઉદયપુરમાં ગઈ કાલે એક ફ્લાઇટમાં બૉમ્બની ધમકી મળ્યા બાદ ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું. ગયા એક અઠવાડિયામાં ૯૦થી વધુ ફ્લાઇટમાં બૉમ્બ મૂકવાની ધમકી મળી ચૂકી છે.

national news india indigo Vistara mumbai airport mumbai police