07 November, 2024 06:47 AM IST | Patna | Gujarati Mid-day Correspondent
૪ નવેમ્બરે છઠપૂજા માટે પોતપોતાના વતન પહોંચવા પટનામાં ઓવરક્રાઉડેડ ટ્રેનમાં પ્રવાસ કરતા લોકો.
આ વર્ષે લોકોને તહેવારોની સીઝનમાં બહારગામ જવામાં આસાની રહે એ માટે રેલવેએ પહેલી ઑક્ટોબરથી ૩૦ નવેમ્બર સુધીમાં ૭૬૬૩ સ્પેશ્યલ ટ્રેન-સર્વિસ દોડાવવાનું શેડ્યુલ રાખ્યું છે, જે ગયા વર્ષની સીઝન કરતાં ૭૩ ટકા વધુ છે. રેલવેના જણાવ્યા મુજબ નવરાત્રિ, દિવાળી અને હવે છઠપૂજાને ધ્યાનમાં રાખીને એણે ૭૬૬૩ સ્પેશ્યલ સર્વિસનું આયોજન કર્યું છે. ગયા વર્ષે આ આંકડો ૪૪૨૯ સર્વિસનો હતો.
રેલવેએ જણાવ્યા મુજબ ૨૪ ઑક્ટોબરથી ૪ નવેમ્બર સુધીમાં દિવાળી અને છઠપૂજા નિમિત્તે ૯૫૭.૨૪ લાખ મુસાફરો (માત્ર બહારગામની ટ્રેનોના)એ ટ્રેનમાં પ્રવાસ કર્યો છે, જે ગયા વર્ષે ૯૨૩.૩૩ લાખ હતા. આમ એમાં ૩૩.૯૧ લાખનો વધારો થયો છે.
આ ઉપરાંત ૪ નવેમ્બરે એક જ દિવસમાં ૧.૨ કરોડથી વધુ લોકોએ રેલવેનો પ્રવાસ કર્યો છે. એમાં ૧૯.૪૩ લાખ મુસાફરોએ રિઝર્વ્ડ ટિકિટ લઈને પ્રવાસ કર્યો હતો, જ્યારે ૧.૦૧ કરોડ મુસાફરોએ અનરિઝર્વ્ડ ટિકિટ લઈને પ્રવાસ કર્યો હતો. મુસાફરરોનો આ દૈનિક આંકડો આ વર્ષનો હાઇએસ્ટ છે. પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા ૩ અને ૪ નવેમ્બરે ૨૦૭ સ્પેશ્યલ ટ્રેન દોડાવવામાં આવી હતી.