ફેસ્ટિવલ સીઝનમાં ભારતીય રેલવેને જબરદસ્ત કમાણી

29 November, 2024 01:02 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

બે મહિનામાં ટિકિટોના વેચાણથી ૧૨,૧૫૯.૩૫ કરોડ રૂપિયાની આવક થઈ

પ્રતીકાત્મક તસવીર

પહેલી સપ્ટેમ્બરથી ૩૧ ઑક્ટોબર વચ્ચે આવતા ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળીના તહેવારોની મોસમમાં રેલવેમાં પ્રવાસ કરનારા પ્રવાસીઓની સંખ્યામાં થયેલા જબરદસ્ત વધારાને કારણે ભારતીય રેલવેને આ બે મહિનામાં ટિકિટોના વેચાણથી જ આશરે ૧૨,૧૫૯.૩૫ કરોડ રૂપિયાની આવક થઈ છે.

આ મુદ્દે સંસદમાં રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા રજૂ કરવામાં આવેલી માહિતી મુજબ આ બે મહિનામાં ઝોન-વાઇઝ પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હતો અને પહેલી સપ્ટેમ્બરથી ૧૦ નવેમ્બર સુધીમાં ૧૪૩.૭૧ કરોડ પ્રવાસીઓએ રેલવેમાં મુસાફરી કરી હતી.

રેલવેએ પહેલી ઑક્ટોબરથી ૩૦ નવેમ્બરના તહેવારોના સમયગાળા દરમ્યાન પ્રવાસીઓની ભીડને લક્ષમાં લઈને ૭૬૬૩ વધારાની ટ્રેન-સર્વિસ ઑપરેટ કરી હતી. ૨૦૨૩માં આ સમયગાળા દરમ્યાન રેલવેએ ૪૪૨૯ વધારાની ટ્રેનો દોડાવી હતી. આમ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે ૭૩ ટકા વધારે ટ્રેનો દોડાવવામાં આવી હતી.

૨૪ ઑક્ટોબરથી ૪ નવેમ્બર વચ્ચે દિવાળી અને છઠપૂજાની ઉજવણીના સમયગાળા દરમ્યાન કુલ ૯૫૭.૨૪ લાખ નૉન-સબર્બન પ્રવાસીઓએ ભારતીય રેલવેમાં પ્રવાસ કર્યો હતો. ૨૦૨૩માં આ આંકડો ૯૨૩.૩૩ લાખ પ્રવાસીઓનો રહ્યો હતો. આમ આ વર્ષે ૩૩.૯૧ લાખ વધારે પ્રવાસીઓએ ભારતીય રેલવેમાં મુસાફરી કરી હતી.

એક દિવસમાં નૉન-સબર્બન રેલવેમાં સૌથી વધારે પ્રવાસીઓએ મુસાફરી કરી હોય એવી ઘટના ૪ નવેમ્બરે બની હતી, જ્યારે કુલ ૧.૨ કરોડ લોકોએ રેલવેમાં પ્રવાસ કર્યો હતો. એમાં ૧૯.૪૩ લાખ પ્રવાસીઓએ રિઝર્વેશન સાથે પ્રવાસ કર્યો હતો અને ૧.૦૧ કરોડ લોકોએ અનરિઝર્વ્ડ નૉન-સબર્બન રેલવેમાં પ્રવાસ કર્યો હતો. છઠપૂજાને લઈને પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં લઈને રેલવેએ ૩ અને ૪ નવેમ્બરે બે દિવસમાં વધારાની ૨૦૭ સ્પેશ્યલ ટ્રેનો દોડાવી હતી. આ દર્શાવે છે કે લાંબો પ્રવાસ કરીને પણ લોકો તહેવારોમાં તેમના પરિવારને મળવા પહોંચે છે.

કયા ઝોનમાં કેટલા પ્રવાસીઓ?

૩૧.૬૩- સેન્ટ્રલ ઝોનમાં આટલા કરોડ પ્રવાસીઓ

૨૬.૧૩- વેસ્ટર્ન ઝોનમાં આટલા કરોડ પ્રવાસીઓ

૨૪.૬૭- ઈસ્ટર્ન ઝોનમાં આટલા કરોડ પ્રવાસીઓ

૧.૪૮- સાઉથ-ઈસ્ટ સેન્ટ્રલ ઝોનમાં આટલા કરોડ પ્રવાસીઓ

 

national news india indian railways ashwini vaishnaw mumbai trains