24 April, 2023 12:40 PM IST | Sabarkantha | Gujarati Mid-day Correspondent
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે ‘વિશ્વગુરુ બનવા માટે ભારતે વેદોનું જ્ઞાન અને સંસ્કૃત ભાષાનું સંવર્ધન કરવું જરૂરી છે. ભારતીય સંસ્કૃતિ રૂઢિચુસ્ત નથી, પરંતુ સમય સાથે બદલાઈ છે. વળી લોકોએ શું ખાવું અને શું ન ખાવું એવી વાતો કહેતી નથી. દેશની રચના વેદોના મૂલ્ય પર કરવામાં આવી છે, જેને પેઢી દર પેઢી અનુસરવામાં આવી રહી છે.’
મોહન ભાગવતે આ વાત સાબરકાંઠાના મૂડેતી ગામમાં શ્રી ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્ત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘વેદ સંસ્કૃત જ્ઞાન ગૌરવ સમારંભ’ દરમ્યાન કરી હતી.
મોહન ભાગવતે કહ્યું હતું કે ‘આજના ભારતે વિકાસ કરવો છે, પણ અમેરિકા, ચીન કે રશિયા જેવી સત્તા ધરાવતી મહાસત્તા બનવું નથી. આપણે એક એવો દેશ બનાવીએ જે સમગ્ર વિશ્વને નડતી સમસ્યાનો ઉકેલ લાવી શકે. સમગ્ર વિશ્વને શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિનો માર્ગ બતાવી શકે. ભારત એક એવો દેશ છે જેને ધર્મનો પ્રચાર કરવામાં, લોકોને એક કરવામાં અને વિશ્વગુરુ બનવા માગે છે.
વળી આ વિજય એટલે ધર્મવિજય, જેના માટે વેદ, વિજ્ઞાન અને સંસ્કૃતિ (સંસ્કૃત)નું જ્ઞાન હોવું જરૂરી છે. આ બધું જ્ઞાન સંસ્કૃતમાં છે. આપણે આપણી માતૃભાષા બોલીએ છીએ એ સારું જ છે, તો પણ આપણે ૪૦ ટકા સંસ્કૃત શીખી શકીએ. વળી નિષ્ણાતોના મતે સંસ્કૃત અને સંગીતનું જ્ઞાન હોય તો વિજ્ઞાન અને ગણિત શીખવું સરળ છે.’ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં ભારતના વલણને વખાણતાં ભાગવતે કહ્યું હતું કે ‘બન્ને દેશ ભારતને તેમની તરફેણમાં આવવા કહે છે, પરંતુ ભારતે કહ્યું કે તમે બન્ને મિત્રો છો એથી અમે કોઈનો પક્ષ લઈશું નહીં. આ યુદ્ધનો યુગ નથી એથી એને રોકો. આ વાત ભારતે કહી છે. આજના ભારત પાસે વિશ્વની મહાસત્તાઓને આ વાત કહેવાની તાકાત છે, જે ભૂતકાળમાં નહોતી.’