પાકિસ્તાની જહાજનો બે કલાક સુધી પીછો કરીને ૭ ભારતીય માછીમારોને છોડાવી લીધા ઇન્ડિયન કોસ્ટગાર્ડે

20 November, 2024 11:44 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આપણા માછીમારોને પકડીને પાકિસ્તાની જળસીમામાં લઈ જઈ રહી હતી ‘નુસરત’ નામની શિપ

પાકિસ્તાની જહાજ અને એમાંથી છોડાવવામાં આવેલા ભારતીય માછીમારો.

પાકિસ્તાન મૅરિટાઇમ સિક્યૉરિટી એજન્સી (PMSA)નું જહાજ ભારતના સાત માછીમારોને પકડીને પાકિસ્તાન લઈ જઈ રહ્યું હતું ત્યારે ઇન્ડિયન કોસ્ટગાર્ડે તેમના જહાજનો સમુદ્રમાં બે કલાક સુધી પીછો કરી તેમને અટકાવ્યા હતા અને સાતેય ભારતીય માછીમારોને છોડાવવામાં સફળતા મેળવી હતી. આ ઘટના ૧૭ નવેમ્બરે બની હતી અને કોસ્ટગાર્ડ તેમને ૧૮ નવેમ્બરે ઓખા બંદર પર લાવ્યું હતું.

કોસ્ટગાર્ડને રવિવારે સવારે એક નાની માછીમારીની બોટ પરથી ડિસ્ટ્રેસ કૉલ મળ્યો હતો એટલે એનું જહાજ ‘અગ્રિમ’ તાત્કાલિક સમુદ્રમાં રવાના થયું હતું અને એણે પાકિસ્તાની જહાજ ‘નુસરત’નો પીછો કર્યો હતો. આશરે બે કલાક સુધી પીછો કર્યા બાદ સાઇરનો વગાડીને પાકિસ્તાની જહાજને રોકવામાં એને સફળતા મળી હતી અને તમામ ભારતીય માછીમારોને એમાંથી છોડાવી લેવામાં આવ્યા હતા. જોકે માછીમારોની ‘કાલભૈરવ’ નામની બોટ ક્ષતિગ્રસ્ત થતાં એ ડૂબી ગઈ હતી.

pakistan india indian coast guard international news news national news