વર્લ્ડમાં સૌથી ઊંચાઈએ યોજાતી એશિયાની એકમાત્ર સ્નો મૅરથૉનમાં ૨૪૭ જણ દોડ્યા

25 March, 2025 02:42 PM IST  |  Dehradun | Gujarati Mid-day Correspondent

સમુદ્રની સપાટીથી ૧૦,૫૦૦ ફુટની ઊંચાઈ પર બરફ પરની દોડમાં સૈનિકોએ બાજી મારી, મૅરથૉનનું આયોજન

સ્નો મૅરથૉન

હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લામાં અટલ ટનલના નૉર્થ પોર્ટલ પર લાહૌલ ઘાટીના સિસ્સુમાં સમુદ્રની સપાટીથી આશરે ૧૦,૫૦૦ ફુટની ઊંચાઈ પર આયોજિત કરવામાં આવેલી સ્નો મૅરથૉનમાં દેશના સુરક્ષાદળના જવાનોનો દબદબો જોવા મળ્યો હતો. વિશ્વમાં સૌથી ઊંચાઈએ યોજાતી આ સ્નો મૅરથૉન છે અને એશિયાની એકમાત્ર સ્નો મૅરથૉન છે. રવિવારે યોજાયેલી સ્નો મૅરથૉનની આ ચોથી સીઝનમાં કુલ ૨૪૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ મૅરથૉનના મોટા ભાગના વિજેતા સુરક્ષાદળના જવાનો રહ્યા હતા જેમણે પોતાના સુંદર અને દમદાર દેખાવથી જીત મેળવી હતી.

૪૨ કિલોમીટરની ફુલ સ્નો મૅરથૉનમાં ભારતીય સેનાના ડોગરા સ્કાઉટ રેજિમેન્ટના નાઈક હેતરામે ૪ કલાક ૧૫ મિનિટમાં આ મૅરથૉન પૂરી કરી ખિતાબ પોતાના નામે કર્યો હતો. મહિલાઓની ફુલ સ્નો મૅરથૉનમાં ગયા વર્ષની ચૅમ્પિયન લદ્દાખની તેન્ઝીન ડોલ્માએ ૪ કલાક ૪૬ મિનિટમાં આ અંતર પૂરું કરીને રેસ જીતી લીધી હતી.

ટૂરિસ્ટ, મહિલા, બાળકો અને સ્થાનિક લોકોમાં પણ સ્નો મૅરથૉન પ્રત્યે રુચિ જગાવવા માટે એક કિલોમીટરની રેસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

શેરીના કૂતરાઓને મદદ કરવા માટે પાળતુ ડૉગીઝ સાથે માલિકો મનાલીના સ્નોમાં મૅરથૉન દોડ્યા

શેરીમાં રખડતા કૂતરાઓ પ્રત્યે ક્રૂરતા અને હિંસાનું પ્રમાણ ઘટે તેમ જ સ્ટ્રે ડૉગ્સને જરૂરી વૅક્સિનેશન અને નસબંધીની ક્રિયાઓ માટે પૂરતું ભંડોળ એકત્ર થાય એ માટે મનાલી સ્ટ્રેઝ નામે લાહૌલ સ્પીતિમાં ગઈ કાલે અનોખી મૅરથૉનનું આયોજન થયું હતું. એમાં લગભગ ૩૦૦ પેટ-લવર્સે તેમના પાળેલા ડૉગી સાથે બરફીલા ટ્રેક પર ૧ કિલોમીટરની દોડ લગાવી હતી. 

કોણે-કોણે ભાગ લીધો?
આ વર્ષની સ્નો મૅરથૉનમાં ભારતીય સેના, ઍર ફોર્સ, ઇન્ડો તિબેટન બૉર્ડર પોલીસ (ITBP), સશસ્ત્ર સીમા બલ (SSB), બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન (BRO)ના જવાનો સહિત દેશના ખૂણે-ખૂણેથી આવેલા પ્રોફેશનલ રનર્સ અને ફિટનેસપ્રેમીઓએ ભાગ લીધો હતો. ઇન્ટરનૅશનલ ઍથ્લીટ અને SSBના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ મુકેશ કુમારે તેમના નવ જવાન સાથે મૅરથૉનમાં ભાગ લીધો હતો.

આવા આયોજનનો હેતુ
આ ઇવેન્ટનો ઉદ્દેશ લોકોને હિમાલયના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અપાવવાનો અને લાહૌલ અને ​સ્પીતિમાં પર્યટનની સાથે-સાથે સાહસિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાનો છે. ચાર મૅરથૉન સફળતાપૂર્વક પાર પાડ્યા પછી હવે આયોજકો લાહૌલ-સ્પીતિમાં રનિંગ કમ્યુનિટી માટે સારું પ્લૅટફૉર્મ બનાવવાની યોજના તૈયાર કરી રહ્યા છે. લાહૌલમાં ૬ જૂને અલ્ટ્રા રન અને ૮ જૂને ફુલ મૅરથૉન યોજાશે. સપ્ટેમ્બર મહિનામાં ઇન્ડિયન આર્મીના સદ્ભાવના પ્રોજેક્ટ હેઠળ સ્પીતિમાં મૅરથૉનનું આયોજન કરવામાં આવશે, જેમાં દેશભરના રનર્સને આમંત્રિત કરવામાં 
આવશે.

himachal pradesh indian army national news news