ઇન્ડિયન ઍર ફોર્સનું MiG-29 ફાઈટર જૅટ આગ્રામાં ક્રેશ, બે મહિનામાં બની છે બીજી ઘટના

04 November, 2024 07:59 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Indian Airforce Plane Crash News: દુર્ઘટનાની માહિતી મળતા તરત જ સેનાના ઉચ્ચ અધિકારીઓ, સંરક્ષણ અધિકારીઓ અને ડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. કેટલાક લોકો વિમાનના ટુકડાઓ ઉપાડતા પણ જોવા મળ્યા હતા.

તસવીર: સોશિયલ મીડિયા

ઇન્ડિયન ઍર ફોર્સનું એક ફાઈટર જૅટ ક્રેશ થયું હોવાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થઈ હોવાના પ્રાથમિક સમાચાર સામે આવ્યા છે. તેમ જ આ પ્લેન ક્રેશ બાબતે હવે વિશેષ તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ભારતીય વાયુસેનાનું એક ફાઈટર ઍરક્રાફ્ટ (Indian Airforce Plane Crash News) મિગ-29 સોમવારે ઉત્તર પ્રદેશના આગ્રામાં ક્રેશ થયું હતું. ટેક ઑફ કરતી વખતે જ વિમાનમાં અચાનકથી આગ લાગી હતી. જે બાદ તે આગનો ગોળો બનીને એક મેદાનમાં પડ્યું હતું. આ દુર્ઘટના સમયે વિમાનમાં બે પાયલટ બેસ્યા હતા. આગ લાગ્યાની થોડી જ સેકન્ડોમાં પાઈલટ અને કો-પાઈલટ બન્નેને વિમાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા. પાયલોટ અને કો-પાયલોટ પેરાશૂટ દ્વારા પ્લેન ક્રેશ થયાના વિસ્તારથી લગભગ બે કિલોમીટર જેટલા દૂર ઉતર્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર ઇન્ડિયન ઍર ફોર્સનું MiG-29 ઍરક્રાફ્ટ (Indian Airforce Plane Crash News) પંજાબના આદમપુરથી આગ્રા રૂટિન એક્સરસાઇઝ માટે જઈ રહ્યું હતું. દુર્ઘટના બાદ તે આગરા નજીક કાગરૌલના સોંગા ગામના ખેતરોમાં ક્રેશ થયું હતું. અકસ્માત અંગે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપવામાં આવ્યો છે. આ પ્લેન દુર્ઘટનાનો વીડિયો અને તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં પ્લેન ક્રેશ થયા બાદ તેમાં આગ લાગેલી જોવા મળી રહી છે. મિગ-29 ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સળગતા વિમાનની આસપાસ લોકોની ભીડ જમા થયેલી જોઈ શકાય છે. આ દરમિયાન કેટલાક લોકો વિમાનના ટુકડાઓ ઉપાડતા પણ દેખાઈ રહ્યા છે. દુર્ઘટનાની માહિતી મળતા તરત જ સેનાના ઉચ્ચ અધિકારીઓ, સંરક્ષણ અધિકારીઓ અને ડીએમ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

મિગ-29 એ રશિયામાં ઉત્પાદિત એક હાઇ-ટેક ફાઈટર જૅટ (Indian Airforce Plane Crash News) છે. મિગ-29 ને અમેરિકાના સહયોગી સંગઠન નાટોમાં `ફલકરામ` તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં તેને `બાઝ` કહેવામાં આવે છે. તે સત્તાવાર રીતે વર્ષ 1987 થી ભારતીય વાયુસેનામાં કાર્યરત થયું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ક્રેશ થયેલું ફાઈટર જૅટ MiG-29 UPGનું અપગ્રેડેડ વર્ઝન હતું. જોકે મિગ-29 ફાઈટર જૅટના ક્રેશ થવાની આ બીજી ઘટના છે, જેને લઈને હવે સેના દ્વારા કડક તપાસ કરવામાં આવવાની છે.

છેલ્લા બે મહિનામાં ક્રેશ થનારું આ બીજું મિગ-29 વિમાન છે. સપ્ટેમ્બર 2024 ની શરૂઆતમાં, નિયમિત રાત્રિ ઉડાન દરમિયાન, મિગ-29 માં રાજસ્થાનના બાડમેરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ત્યારબાદ તે ક્રેશ થઈ ગયું હતું. જોકે પાયલોટે સમયસર બહાર નીકળી જતાં તેનો જીવ બચાવ્યો હતો. વધુ એક ઘટનામાં કેદારનાથમાં (Indian Airforce Plane Crash News) એક હેલિકૉપ્ટર નદીમાં પડી ગયું હતું. હકીકતે, થોડા દિવસો પહેલા હેલિકૉપ્ટર બગડી ગયું હતું, જેની રિપૅરિંગ થવાની હતી. આ હેલિકૉપ્ટરને MI-17 હેલિકૉપ્ટર દ્વારા ઉપાડવામાં આવી રહ્યું હતું. ત્યારબાદ થારુ કેમ્પ પાસે વાયર તૂટવાને કારણે હેલિકૉપ્ટર નીચે નદીમાં પડ્યું હતું.

indian air force plane crash agra uttar pradesh national news