22 September, 2023 09:55 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નવી દિલ્હીમાં ગઈ કાલે શાંતિપથ ખાતે ભારતમાં કૅનેડાનું હાઈ કમિશન (તસવીર : પી.ટી.આઇ.)
કૅનેડા અને ભારત વચ્ચેનો તણાવ ઘટવાના બદલે વધતો જ જાય છે. આવી સ્થિતિમાં ભારત સરકારે ગઈ કાલે જણાવ્યું હતું કે કૅનેડામાં ઇન્ડિયન હાઈ કમિશન્સ અને કૉન્સ્યુલેટ્સની સિક્યૉરિટી સામે જોખમ હોવાથી કૅનેડાથી વિઝા ઍપ્લિકેશન્સ પર ભારત ટેમ્પરરી પ્રોસેસ કરી શકે એમ નથી. કૅનેડાની ધરતી પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાના કૅનેડાના આરોપના કારણે બન્ને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે ‘કૅનેડામાં અમારા હાઈ કમિશન્સ અને કૉન્સ્યુલેટ્સની સુરક્ષા જોખમમાં હોવાનો તમને ખ્યાલ છે, જેના લીધે તેમનું સામાન્ય કામકાજ ખોરવાઈ ગયું છે. હાઈ કમિશન્સ અને કૉન્સ્યુલેટ્સ ટેમ્પરરી વિઝા ઍપ્લિકેશન્સનું પ્રોસેસ કરી શકે એમ નથી. અમે રેગ્યુલરલી આ સિચુએશનની સમીક્ષા કરીશું.’ ભારત સરકારે ઇલેક્ટ્રૉનિક વિઝા પણ સ્થગિત કરી દીધા છે. તેમણે વધુ કહ્યું હતું કે ‘તમામ કૅટેગરીઝના વિઝા સ્થગિત કરવામાં આવ્યા છે. ભારતમાં ટ્રાવેલિંગ કરવાનો મુદ્દો નથી. જેમની પાસે વૅલિડ વિઝા છે (સ્થગિત કરવાના આ આદેશ પહેલાં ઇશ્યુ થયેલા) તેઓ ભારતમાં ટ્રાવેલ કરી શકે છે.’
કૅનેડામાં વિઝા સર્વિસિસ સ્થગિત કરવામાં આવ્યાને કલાકો બાદ ભારત સરકારે ગઈ કાલે કૅનેડાને ભારતમાં એના ડિપ્લૉમેટ્સની સંખ્યા ઘટાડવા પણ જણાવ્યું છે, જેના માટે ભારતની બાબતોમાં કૅનેડિયન ડિપ્લૉમેટ્સ દ્વારા દખલનું કારણ આપવામાં આવ્યું છે. બાગચીએ કહ્યું હતું કે ‘કૅનેડામાં ભારતના ડિપ્લૉમેટ્સની સંખ્યા છે એના કરતાં ભારતમાં કૅનેડિયન ડિપ્લૉમેટ્સની સંખ્યા વધારે છે અને એને અનુરૂપ એમાં ઘટાડો કરવાની જરૂર છે. અમે કૅનેડિયન સરકારને જણાવ્યું છે કે એકબીજાના દેશમાં ડિપ્લૉમેટ્સની સંખ્યા સરખી હોવી જોઈએ. કૅનેડામાં અમારી સંખ્યા કરતાં ભારતમાં તેમના ડિપ્લૉમેટ્સની સંખ્યા ખાસ્સી વધારે છે.’
નિજ્જરની હત્યા મામલે આરોપ રાજનીતિથી પ્રેરિત
બાગચીએ ‘ઇન્ડિયન એજન્ટ્સ’એ નિજ્જરની હત્યા કરી હોવાના દાવાને ફગાવી દીધા છે અને એને રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘આ કથિત હત્યા બાબતે કૅનેડા દ્વારા કોઈ ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવી નથી. જો ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવશે તો અમે એની તપાસ કરવા તૈયાર છીએ.’
ભારતે નોંધ મૂકી, એને પાછી ખેંચી લીધી અને ફરી મૂકી
ભારત અને કૅનેડા વચ્ચેના તનાવમાં વધારો થયો છે ત્યારે એની અસર બન્ને દેશોના લોકો પર પણ પડે એવી શક્યતા જણાઈ રહી છે. કૅનેડાના લોકોની વિઝા ઍપ્લિકેશન્સની શરૂઆતની સ્ક્રૂટિની કરવા માટે ભારત દ્વારા હાયર કરવામાં આવેલી એક પ્રાઇવેટ એજન્સીએ ગઈ કાલે એની વેબસાઇટ પર વિઝા સર્વિસિસ સ્થગિત કરવામાં આવી હોવાની નોંધ મૂકી હતી. જોકે એના કલાકો પછી એને પાછી ખેંચી લીધી હતી. જોકે એના પછી ફરીથી આ એજન્સીએ ઑનલાઇન આ નોટિસ મૂકી હતી. આ એજન્સીએ નોંધમાં જણાવ્યું હતું કે આગામી નોટિસ સુધી ઇન્ડિયન વિઝા સર્વિસિસને સ્થગિત કરવામાં આવી છે. વિઝા ફેસિલિટીઝ પૂરી પાડતી ઇન્ડિયન કંપની બીએલએસ ઇન્ટરનૅશનલે આ પહેલાં જણાવ્યું હતું કે કૅનેડામાં ઇન્ડિયન મિશન તરફથી નોટિસમાં આગામી નોટિસ સુધી વિઝા સર્વિસિસને સ્થગિત કરવા માટે ‘ઑપરેશનલ કારણો’ આપવામાં આવ્યાં હતાં.