20 November, 2024 01:24 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતે આ વખતે ૩,૩૧,૬૦૨ વિદ્યાર્થીઓને ભણવા માટે અમેરિકા મોકલ્યા છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-’૨૪માં આટલા બધા વિદ્યાર્થી મોકલીને ભારત ટોચ પર આવી ગયું છે અને ચીન પાછળ રહી ગયું છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-’૨૪માં અમેરિકામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ૩,૩૧,૬૦૨ છે. ૨૦૨૨માં ૨,૬૮,૯૨૩ વિદ્યાર્થીઓ અમેરિકા ગયા હતા. એ વર્ષે ચીન પહેલા ક્રમે હતું અને ભારત બીજા ક્રમે હતું. તાજેતરમાં જાહેર કરાયેલા આ આંકડા વિશે અમેરિકાના દૂતાવાસે કહ્યું છે કે ‘૨૦૦૮-’૦૯ પછી પહેલી વાર વિદ્યાર્થીઓ મોકલવામાં ભારત પ્રથમ ક્રમે છે. કુલ વિદેશી વિદ્યાર્થીમાંથી ૨૯ ટકા વિદ્યાર્થીઓ ભારતીય છે એટલે ભારત હવે અમેરિકામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અગ્રણી દેશ છે.’
આ યાદીમાં ટોચના પાંચ દેશોમાં ભારત પછીના ૨,૭૭,૩૯૮ વિદ્યાર્થી સાથે ચીન બીજા ક્રમે, ૪૩,૧૪૯ વિદ્યાર્થીઓ સાથે સાઉથ કોરિયા ત્રીજા, ૨૮,૯૯૮ વિદ્યાર્થીઓ સાથે કૅનેડા ચોથા અને ૨૩,૧૫૭ વિદ્યાર્થીઓને મોકલીને તાઇવાન પાંચમા ક્રમે આવ્યું છે. અમેરિકાએ ૨૦૨૩-’૨૪માં ૨૧૦થી વધુ દેશના કુલ ૧.૧૨ મિલ્યન એટલે કે ૧૧,૨૬,૬૯૦ વિદેશી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. ભારત બીજા વર્ષે પણ માસ્ટર્સ અને PhD કક્ષાના વિદ્યાર્થીઓને અમેરિકા મોકલવામાં આગળ રહ્યું છે.