ભારત વિરોધી પોસ્ટર્સ મૂકવા બદલ વિદેશ મંત્રાલયે સ્વિસ ઍમ્બૅસૅડરને સમન્સ બજાવ્યા

06 March, 2023 11:58 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર ખૂબ સર્ક્યુલેટ થઈ રહેલા એક વિડિયો અનુસાર આ પોસ્ટર્સમાં જણાવાયું છે કે ભારતમાં લઘુમતીઓ અને મહિલાઓનું દમન થઈ રહ્યું છે.  

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

નવી દિલ્હી : ભારતના વિદેશ મંત્રાલયે જિનીવામાં સંયુક્ત રાષ્ટ્રની ઑફિસ સામે બદઇરાદાવાળાં ભારત વિરોધી પોસ્ટર્સના મામલે ગઈ કાલે સ્વિટ્ઝરલૅન્ડના ઍમ્બૅસૅડરને સમન્સ બજાવ્યા હતા. 

સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદના તાજેતરના સેશનની શરૂઆત થઈ એ પછી તરત જ યુએનની ઑફિસ સામે એક સ્ક્વેરમાં આ પોસ્ટર્સ મૂકવામાં આવ્યાં હતાં. સોશ્યલ મીડિયા પર ખૂબ સર્ક્યુલેટ થઈ રહેલા એક વિડિયો અનુસાર આ પોસ્ટર્સમાં જણાવાયું છે કે ભારતમાં લઘુમતીઓ અને મહિલાઓનું દમન થઈ રહ્યું છે.  

વિદેશ મંત્રાલયમાં સચિવ (પશ્ચિમી દેશો) સંજય વર્માએ સ્વિસ ઍમ્બૅસૅડર રાલ્ફ હેકનરને બોલાવ્યા હતા અને આ ભારત વિરોધી પોસ્ટર્સનો મુદ્દો ઉઠાવ્યો હતો. 

આ ઍમ્બૅસૅડરે કહ્યું કે તેઓ ભારતની વાતને સ્વિટ્ઝરલૅન્ડમાં ખૂબ ગંભીરતાથી રજૂ કરશે. જિનીવામાં આ પોસ્ટર્સ જે જગ્યાએ મૂકવામાં આવ્યાં છે એ તમામ માટે ઓપન છે, પરંતુ એ કોઈ રીતે સ્વિસ સરકારનું વલણ રજૂ કરતું નથી.

national news india switzerland united nations