ન્યૂઝ શોર્ટમાં : નાગપુરમાં ખુલ્લો મૂકવામાં આવ્યો દેશનો સૌથી લાંબો ડબલ ડેકર ફ્લાયઓવર

06 October, 2024 09:23 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

આ ફ્લાયઓવરમાં ૧૬૫૦ ટન વજનની ક્ષમતાનો સ્ટીલ પુલ તૈયાર કરવામાં આવ્યો છે.

સૌથી લાંબો ડબલ-ડેકર ફ્લાયઓવર

નાગપુરમાં ૫૭૩ કરોડ રૂપિયાના ખર્ચે ભારતના સૌથી લાંબા ડબલ-ડેકર ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેને ગઈ કાલે જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ ડબલ ડેકર ફ્લાયઓવરની વચ્ચે નૅશનલ હાઇવે અને ઉપર મેટ્રો લાઇન બનાવવામાં આવી છે, જ્યારે ફ્લાયઓવરની નીચે પહેલાં બનાવવામાં આવેલો રસ્તો છે. આ પ્રકારનો દેશનો આ પહેલવહેલો ડબલ-ડેકર ફ્લાયઓવર ૫.૬૭૦ કિલોમીટર લાંબો છે. આ ફ્લાયઓવર સિંગલ કૉલમ પિયરના ફાઉન્ડેશન ઉપર બનાવવામાં આવ્યો છે. આ ફ્લાયઓવરમાં ૧૬૫૦ ટન વજનની ક્ષમતાનો સ્ટીલ પુલ તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદ ઍરપોર્ટ પર જામી ગરબાની રમઝટ 

નવરાત્રિનું પર્વ રંગેચંગે ઊજવાઈ રહ્યું છે ત્યારે અમદાવાદ ઍરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલની ડિપાર્ચર સાઇડે આનંદ-ઉલ્લાસ સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શુક્રવારે રાત્રે ઍરપોર્ટના તેમ જ ઍરલાઇન્સના કર્મચારીઓ ગરબે ઘૂમ્યા હતા. સ્પીકર પર લગભગ વીસથી ૨૫ મિનિટ સુધી ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં કર્મચારીઓની સાથે મુસાફરો પણ ગરબે ઘૂમ્યા હતા અને નવરાત્રિ પર્વનો આનંદ માણ્યો હતો. ઍરપોર્ટ પર નવરાત્રિની થીમ આધારિત સજાવટ પણ કરવામાં આવી છે.

ઘોડા પર બેસીને મતદાન કરવા આવ્યા BJPના અબજપતિ સંસદસભ્ય નવીન જિન્દલ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના અબજપતિ સંસદસભ્ય નવીન જિન્દલ ગઈ કાલે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા કુરુક્ષેત્રમાં આવેલા મતદાનબૂથમાં ઘોડા પર બેસીને પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ઘોડાને પવિત્ર માનવામાં આવે છે. તેમનાં માતા અને ભારતનાં સૌથી શ્રીમંત મહિલા સાવિત્રી જિન્દલ BJPએ ટિકિટ ન આપી એટલે  હિસારમાંથી અપક્ષ તરીકે ચૂંટણી લડ્યાં છે. 

nagpur mumbai ahmedabad Garba navratri haryana