ચીને સરહદ પર એકતરફી રીતે પરિસ્થિતિ બદલવાનો પ્રયાસ કરતાં સંબંધો બગડ્યા

14 March, 2023 10:32 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એપ્રિલ-મે ૨૦૨૦માં લદાખના પૂર્વમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર એકતરફી રીતે સ્થિતિને બદલવાના ચીનના પ્રયાસોને કારણે સીમા સાથે જોડાયેલા ક્ષેત્રમાં શાંતિને ગંભીર રીતે હાનિ પહોંચી  છે

પ્રતીકાત્મક તસવીર

નવી દિલ્હી : વિદેશ મંત્રાલયે પોતાના એક રિપોર્ટમાં ગઈ કાલે કહ્યું હતું કે ચીન સાથે ભારતના સંબંધો જટિલ છે. એપ્રિલ-મે ૨૦૨૦માં લદાખના પૂર્વમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર એકતરફી રીતે સ્થિતિને બદલવાના ચીનના પ્રયાસોને કારણે સીમા સાથે જોડાયેલા ક્ષેત્રમાં શાંતિને ગંભીર રીતે હાનિ પહોંચી છે. રિપોર્ટમાં જણાવાયું હતું કે આ પ્રયત્નોને ભારતીય લશ્કર દ્વારા જોરદાર જવાબ પણ આપવામાં આવ્યો હતો. ભારત અને ચીન સીમા પર શાંતિ યથાવત્ રહે એ માટે ચીન સાથે વાતચીત પણ યથાવત્ રાખી છે. જોકે ચીન દ્વારા યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ ચાલુ જ રાખતાં દ્વિપક્ષીય સંબંધો પર એની ખરાબ અસર પડી હતી. ફેબ્રુઆરી ૨૦૨૧માં પેંગોગ અને ઑગસ્ટ ૨૦૨૧માં ગોગરા ક્ષેત્રમાં પીછેહઠ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક ઘણા લાંબા સમયથી ચાલતા મુદ્દાઓનું સમાધાન આવવાનું હજી બાકી છે. ભારતે બાકીના મુદ્દે સમાધાન માટે ચીન સાથે રાજકીય અને સૈન્ય માધ્યમથી સંપર્ક બનાવવાની વાત કરી હતી, જેથી સીમા પ્રદેશના મુદ્દે ઝડપથી ઉકેલ આવી શકે અને શાંતિ જળવાય.

national news new delhi china ladakh