25 December, 2022 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેન્નઈમાં ગઈ કાલે અન્ના ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર કોવિડ ટેસ્ટ માટે પૅસેન્જરનાં સ્વૅબ સૅમ્પલ કલેક્ટ કરી રહેલો હેલ્થ વર્કર.
નવી દિલ્હી : કોરોનાને કારણે ઇમર્જન્સી સ્થિતિનો સામનો કરવા માટે આરોગ્ય મંત્રાલયે રાજ્યોને છ મુદ્દાની નવી ઍડ્વાઇઝરી આપી છે. ચીનમાં બીએફ.૭ સબવેરિઅન્ટ કેર વર્તાવી રહ્યા છે એના કેટલાક કેસ ભારતમાં પણ નોંધાયા છે.
આરોગ્યપ્રધાન મનસુખ માંડવિયાએ ગઈ કાલે જણાવ્યું હતું કે ચીન, જપાન, સાઉથ કોરિયા, હૉન્ગકૉન્ગ અને થાઇલૅન્ડથી આવતા તમામ ટ્રાવેલર્સે નેગેટિવ કોવિડ સર્ટિફિકેટ બતાવવું પડશે. આ દેશોમાંથી આવતા પૅસેન્જર્સની ટેસ્ટ પૉઝિટિવ આવે અથવા તો તેમનામાં કોરોનાનાં લક્ષણો જોવા મળે તો એવી સ્થિતિમાં તેમને ક્વૉરન્ટીન કરવામાં આવશે.
૨૦૨૧ના મધ્યમાં ભારતમાં બીજી લહેરના શરૂઆતના દિવસોમાં ઑક્સિજનની શૉર્ટેજ એ ખૂબ જ મોટી સમસ્યા રહી હતી. આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ મનોહર અગનાનીએ રાજ્યોને એક લેટર લખીને જણાવ્યું કે ‘દેશમાં ભલે કોરોનાના કેસો ઓછા આવી રહ્યા છે અને હાલના તબક્કે એમાં વધારો થઈ રહ્યો નથી, છતાં ભવિષ્યમાં કોઈ પણ પડકારનો સામનો કરવા માટે આ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કાર્યરત રહે અને એની જાળવણી કરવામાં આવે એ અત્યંત જરૂરી છે.’
મેડિકલ ઑક્સિજનના મૅનેજમેન્ટ બાબતે સરકારની લેટેસ્ટ ઍડ્વાઇઝરી અનુસાર પ્રેશર સ્વિંગ ઍડ્સોર્પ્શન ઑક્સિજન જનરેટિંગ પ્લાન્ટ્સને સંપૂર્ણપણે કાર્યરત કરવા અને એના ચેકિંગ માટે રેગ્યુલરલી મૉક-ડ્રિલ કરવી જરૂરી છે.
આ લેટરમાં હૉસ્પિટલો અને ક્લિનિક્સમાં લિક્વિડ મેડિકલ ઑક્સિજન અવેલેબલ રહે તેમ જ એના રીફિલિંગ માટે સપ્લાય ચેઇનમાં કોઈ અવરોધ ન આવે એનો ખ્યાલ રાખવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે કોવિડ કેસોનું જીનોમ સીક્વન્સિંગ પણ વધારી દીધું છે.