24 December, 2022 08:37 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પટના રેલવે-સ્ટેશન પર આવનારા મુસાફરોનું ટેસ્ટિંગ કરતા સ્વાસ્થ્ય કર્મચારીઓ
જાણીતા વાઇરોલૉજિસ્ટ ગગનદીપ કૅન્ગે કહ્યું હતું કે ભારતમાં પણ ઓમાઇક્રોનના સબ-વૅરિયન્ટ એક્સબીબી ને બીએફ.૭ના કેટલાક કેસ જોયા મળ્યા હતા, પરંતુ એમાં ભારે વધારો જોવા મળ્યો નહોતો. ભારતમાં કોવિડ કેસમાં વધારો થાય એવી શક્યતા પણ નથી. એક તરફ ઓમાઇક્રોનના વૅરિયન્ટ બીએફ.૭ને કારણે ચીનમાં કોરોનાના કેસમાં ભારે વધારો છે ત્યારે વાઇરોલૉજિસ્ટેનું આ સ્ટેટમેન્ટ મહત્ત્વનું છે. તામિલનાડુમાં આવેલી ક્રિશ્ચિયન મેડિકલ કૉલેજના ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાયન્સ વિભાગના પ્રોફેસરે કહ્યું હતું કે આ બધા ઓમાઇક્રોનનાં સબવૅરિયન્ટ છે. એ ઝડપથી પ્રસરે છે, પરંતુ ડેલ્ટાની જેમ વધુ ગંભીર નથી. હાલ ભારતની સ્થિતિ સારી છે, પરંતુ દેખરેખ રાખવી જરૂરી છે. વાઇરસ કોઈ પણ જાતના ફેરફાર કરે એ જોવું રહ્યું.’
બીએફ.૭ વૅરિયન્ટ સૌથી વધુ ચેપી છે. જો કોઈએ વૅક્સિન લીધી હોય તો પણ એ પ્રસરી શકે છે. ચીને તમામ પ્રવૃત્તિઓ બહુ ઝડપથી પૂર્વવત્ કરી દીધી હતી. જ્યારે એમને ત્યાં આ વૅરિયન્ટનો સંપર્ક ઘણો ઓછો હતો. આ વૅરિયન્ટ જેમણે રસી લીધી હોય તેવા વિસ્તારમાં વિકસિત થયા હોવાથી બહુ જ ચેપી છે. ગગનદીપે કહ્યું હતું કે ‘આપણા દેશમાં પરિસ્થિતિ સારી છે. આપણે ત્યાં પણ કેટલાક કેસ છે, પરંતુ તે મોટા પ્રમાણમાં ફેલાયા નથી. ચીનમાં જે પરિસ્થિતિ છે, આપણે એમાંથી પસાર થઈ ચૂક્યા છીએ, પરંતુ જો કોઈ વૅરિયન્ટ વધુ પ્રમાણમાં ફેલાય તો એમાંથી કોઈ નવાં વૅરિયન્ટ જન્મવાની શક્યતા પણ વધી જાય છે. આ વૅરિયન્ટમાં કોઈ પણ જાતનો ફેરબદલ થાય એના પર આપણે નજર રાખવી જોઈએ. ટેસ્ટિંગ વધારવાથી કંઈ જ નહીં થાય. આવનાર પ્રવાસીઓનું ટેસ્ટિગ કરવું જરૂરી છે, પરંતુ દરેક નવા કેસને આપણે શોધી જ શકીશું એવુ કહી શકાય નહીં. આપણા દેશમાં મોટા ભાગના લોકોને વૅકિસન મળી છે. સૌથી વધુ કેસ ઓમાઇક્રોન દરમ્યાન જ જોવા મળ્યા હતા. તેથી તૈયાર થયેલી નવી હાઇબ્રીડ રોગપ્રતિકારક શકિત કેટલી ટકશે એ કહી શકાય નહીં?’
કોરોનાના નવા ૧૬૩ કેસ
દેશમાં કોરોનાના ૧૬૩ નવા કેસો છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયા હતા તેમ જ ઍક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૩૩૮૦ થઈ હોવાનું યુનિયન હેલ્થ મિનિસ્ટ્રીએ માહિતીમાં જણાવ્યું હતું. દેશમાં અત્યાર સુધી કોરોનાના કેસનો કુલ આંક ૪.૪૬ કરોડ થયો હતો. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાને કારણે કેરળમાં છ, મહારાષ્ટ્રમાં બે અને દિલ્હીમાં એક એમ કુલ ૯ લોકોનાં મૃત્યુ થયાં હતાં.