24 April, 2023 06:35 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: એસ. જયશંકરનું ટ્વીટર એકાઉન્ટ
આફ્રિકન દેશ સુદાન (Sudan) હાલમાં ગૃહયુદ્ધનો સામનો કરી રહ્યો છે. સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં અત્યાર સુધીમાં 400થી વધુ લોકોનાં મોત થયાં છે. ભારત (India) સહિત ઘણા દેશોના નાગરિકો ત્યાં ફસાયેલા છે. દરમિયાન, ભારતે સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા અને તેમને દેશમાં પાછા લાવવા માટે `ઓપરેશન કાવેરી` શરૂ કર્યું છે. વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વિટર પર આ જાણકારી આપી છે. સુદાનમાં લગભગ 3 હજાર ભારતીયો ફસાયેલા છે.
સુદાનમાં ગૃહયુદ્ધ (Sudan Crisis)માં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે વાયુસેનાના બે C-130 વિમાન અને નેવીના INS સુમેધા સાઉદી અરેબિયા અને સુદાન પહોંચ્યા છે. વાયુસેનાના જહાજો સાઉદી અરેબિયાના જેદ્દાહમાં તહેનાત છે, જ્યારે INS સુમેધા સુદાનના બંદરે પહોંચી ગયું છે. આ માહિતી વિદેશ મંત્રાલયે આપી છે.
વિદેશ મંત્રીએ શું કહ્યું?
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે, "સુદાનમાં ફસાયેલા અમારા નાગરિકોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ છે. લગભગ 500 ભારતીયો પોર્ટ સુદાન પહોંચ્યા છે. વધુ ભારતીયો રસ્તામાં છે. અમારા જહાજો અને વિમાન તેમને ઘરે લઈ જશે. ભારત સુદાનમાં આપણા તમામ ભાઈઓને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે."
અન્ય દેશોએ પણ બચાવ કામગીરી શરૂ કરી
ભારત ઉપરાંત ઘણા દેશો સુદાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે બચાવ અભિયાન ચલાવી રહ્યા છે. અત્યાર સુધી અમેરિકા, બ્રિટન સહિત 9 દેશોએ તેમના લોકોને બચાવ્યા છે.
સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે સતત સંઘર્ષ
સુદાનના ગૃહયુદ્ધમાં 3500થી વધુ લોકો ખરાબ રીતે ઘાયલ થયા છે. રાજધાની ખાર્તુમનું મુખ્ય એરપોર્ટ સેના અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચેની લડાઈનું સ્થળ છે. ખાર્તુમથી 850 કિમી દૂર લાલ સમુદ્ર પર આવેલા પોર્ટ સુદાનમાંથી ઘણા દેશો તેમના નાગરિકોને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. લડાઈ વચ્ચે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. 72 કલાકના યુદ્ધવિરામ છતાં બંને તરફથી હુમલા ચાલુ છે.
આ પણ વાંચો: અમેરિકામાં તરવા જતાં બે ગુજરાતી સ્ટુડન્ટ્સનાં મૃત્યુ
15 એપ્રિલે ગૃહયુદ્ધ શરૂ થયું
15 એપ્રિલે રાજધાની ખાર્તુમ અને સુદાનના અન્ય વિસ્તારોમાં આર્મી ચીફ અબ્દેલ ફતાહ અલ-બુરહાન અને તેમના ડેપ્યુટી મોહમ્મદ હમદાન ડાગલોના વફાદાર દળો વચ્ચે હિંસા ફાટી નીકળી હતી. ડાગલો શક્તિશાળી અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સને કમાન્ડ કરે છે.