વસ્તી મામલે ભારતે ચીનને પાછળ છોડ્યુ, આ વર્ષે જ વસ્તીમાં 30 લાખનો ધરખમ વધારો

19 April, 2023 03:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વસ્તી મામલે ભારતે(India population) ચીન (China)ને પણ પાછળ મુકી દીધું છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ભારતની વસ્તી 142.86 કરોડની થઈ ગઈ છે.

પ્રતિકાત્મક તસવીર

વસ્તી મામલે ભારતે(India Population) ચીન (China)ને પણ પાછળ મુકી દીધું છે. સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ભારતની વસ્તી 142.86 કરોડની થઈ ગઈ છે. આ સાથે જ ભારત દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. ચીનની વસ્તી 142.57 કરોડ છે. 

સંયુક્ત રાષ્ટ્રએ બુધવારે એક રિપોર્ટ જારી કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત આ વર્ષના મધ્ય સુધીમાં દુનિયાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે. સંયુક્ત રાષ્ટ્રએ જારી કરેલા આંકડા દર્શાવે છે કે ભારત 30 લાખથી અધિક લોકો સાથે ચીનને પાછળ મુકી દુનિયાનો અધિક વસ્તી ધરાવતો દેશ બનશે. 

અમેરિકા ત્રીજા નંબર પર
સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ (UNFPF)ના સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન રિપોર્ટ, 2023ના જનસંખ્યાકીય આંકડાઓનું અનુમાન છે કે ચીનની 142.57 કરોડની તુલનામાં ભારતની સંખ્યા142.86 કરોડ છે. જો આંકડા જોઈએ તો અમેરિકા 34 કરોડની વસ્તી સાથે ત્રીજા નંબર પર છે. 

165 કરોડની વસ્તી જઈ શકે છે
UNFPAના નવા અહેવાલ મુજબ, ભારતની 25 ટકા વસ્તી 0-14 વર્ષની વય જૂથમાં છે. જ્યારે 18 ટકા 10 થી 19 વર્ષની વયજૂથમાં, 26 ટકા 10 થી 24 વર્ષની વયજૂથમાં, 68 ટકા 15 થી 64 વર્ષની વયજૂથમાં અને 7 ટકા 65 વર્ષથી ઉપરના છે. તે જ સમયે, વિવિધ એજન્સીઓના અંદાજો સૂચવે છે કે ભારતની વસ્તી લગભગ ત્રણ દાયકા સુધી વધતી રહેવાની ધારણા છે. આ સાથે વસ્તી 165 કરોડ થઈ શકે છે.

વસ્તીમાં ફેરફાર
યુએનના અગાઉના ડેટાનો ઉપયોગ કરીને વસ્તી નિષ્ણાતોએ આગાહી કરી હતી કે ભારત આ મહિને ચીનને પાછળ છોડી દેશે. એવું કહેવામાં આવ્યું હતું કે આ ફેરફાર કેટલો સમય લેશે તે હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ બુધવાર બપોર સુધીમાં, સંયુક્ત રાષ્ટ્રએ બીજો અહેવાલ બહાર પાડ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે. જો કે ભારતની વસ્તી ગણતરી વર્ષ 2011માં કરવામાં આવી હતી.

ચીનની વસ્તીમાં છ દાયકામાં પ્રથમ વખત ઘટાડો થયો છે
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીનની વસ્તીમાં છ દાયકામાં પ્રથમ વખત ઘટાડો થયો હતો. આ પછી ચીનની વસ્તીમાં માત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આની અસર અર્થવ્યવસ્થા પર પણ પડશે. સરકારી ડેટા અનુસાર, ભારતની વાર્ષિક વસ્તી વૃદ્ધિ અગાઉના 10 વર્ષમાં 1.7 ટકાની સરખામણીએ 2011થી સરેરાશ 1.2 ટકા રહી છે.

UNFPA ઈન્ડિયાના પ્રતિનિધિ એન્ડ્રીયા વોજનરે કહ્યું કે ભારતીય સર્વેના તારણો દર્શાવે છે કે સતત વધતી જતી વસ્તી સામાન્ય લોકો પર અસર કરી રહી છે.

national news china india united states of america national population register