પાકિસ્તાનની અવળચંડાઈનો આખરે ભારતે આપ્યો જવાબ

28 January, 2023 11:09 AM IST  |  Lahore | Gujarati Mid-day Correspondent

ભારતે સિંધુ જળ કરારમાં સુધારા કરવા માટે પાકિસ્તાનને નોટિસ મોકલી, પાકિસ્તાન આ કરારનો ભંગ કરી રહ્યું હોવાનો આરોપ

પાકિસ્તાનની અવળચંડાઈનો આખરે ભારતે આપ્યો જવાબ

નવી દિલ્હી ઃ ભારત સરકારે સપ્ટેમ્બર ૧૯૬૦ના સિંધુ જળ કરારમાં સુધારા કરવા માટે પાકિસ્તાનને નોટિસ મોકલી છે. ભારત સરકારે જણાવ્યું છે કે પાકિસ્તાનની ખોટી કામગીરીના કારણે સિંધુ જળ કરારના અમલ પર વિપરીત અસર થઈ છે.  
વાસ્તવમાં આ નોટિસ મોકલવાનું કારણ એ છે કે પાકિસ્તાન ભારતમાં કિશનગંગા અને રાતલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના સંબંધમાં સતત વાંધા ઉઠાવ્યા કરે છે. પાકિસ્તાન ૨૦૧૫થી આ પ્રોજેક્ટ્સની સામે એના ટેક્નિકલ વાંધાઓની તપાસ માટે એક તટસ્થ એક્સપર્ટની નિમણૂક માટે માગણી કરી રહ્યું હતું. જોકે ૨૦૧૬માં પાકિસ્તાને એની માગ બદલી અને કોર્ટ ઑફ આર્બિટ્રેશન દ્વારા એના વાંધાની ચકાસણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જવાબમાં ભારતે તટસ્થ એક્સપર્ટની નિમણૂકની માગણી કરી. ભારતનો આરોપ છે કે તટસ્થ એક્સપર્ટના બદલે કોર્ટ ઑફ આર્બિટ્રેશનની એકતરફી માગ કરીને પાકિસ્તાને સિંધુ જળ કરારનો ભંગ કર્યો છે.
ભારતે સિંધુ જળ માટેના 
કમિશનરો મારફત પાકિસ્તાનને નોટિસ મોકલી છે. ભારતના પ્રયાસો છતાં પણ છેલ્લાં પાંચ વર્ષથી પાકિસ્તાને ભારતના કિશનગંગા અને રાતલે હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સના મુદ્દાઓના સમાધાન લાવવા અને એના પર ચર્ચા કરવાની ના પાડતાં આ નોટિસ મોકલાઈ છે. ભારતે ૨૫ જાન્યુઆરીએ પાકિસ્તાનને નોટિસ મોકલી હતી.
સૂત્રોએ જણાવ્યું છે કે ‘ભારત હંમેશાંથી સિંધુ જળ કરારના અમલમાં જવાબદાર ભાગીદાર છે. ભારત એનો સંપૂર્ણપણે અમલ કરી રહ્યું છે. જોકે પાકિસ્તાનની કામગીરીની સિંધુ જળ કરારની જોગવાઈઓ અને એના અમલ પર પ્રતિકૂળ અસર થઈ રહી છે.’

national news pakistan