સંયુક્ત રાષ્ટ્રના સ્ટૅટિસ્ટિકલ કમિશનમાં ભારત ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યું

07 April, 2023 12:55 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

બે દશકના સમયગાળા બાદ આ વૈશ્વિક સંગઠનના સ્ટૅટિસ્ટિકલ ગ્રુપમાં ભારત પાછું ફર્યું છે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ભારત સંયુક્ત રાષ્ટ્રના સ્ટૅટિસ્ટિકલ કમિશન માટેની અત્યંત સ્પર્ધાત્મક ચૂંટણીમાં ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યું છે. બે દશકના સમયગાળા બાદ આ વૈશ્વિક સંગઠનના સ્ટૅટિસ્ટિકલ ગ્રુપમાં ભારત પાછું ફર્યું છે. એશિયા-પૅસિફિક દેશોની કૅટેગરીમાં અન્ય સીટ માટેની ચૂંટણીમાં ચીન સામે સાઉથ કોરિયાની જીત થઈ હતી.

સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદ દ્વારા યુએનના સ્ટૅટિસ્ટિકલ કમિશન, કમિશન ઑન નાર્કોટિક્સ ડ્રગ તેમ જ યુએનએઇડ્સ (જૉઇન્ટ યુએન પ્રોગ્રામ ઑન એચઆઇવી/એઇડ્સ)ના પ્રોગ્રામ સંકલન બોર્ડના મેમ્બર તરીકે ભારતની પસંદગી કરવામાં આવી છે.

સ્ટૅટિસ્ટિકલ કમિશનમાં સભ્ય માટેની અત્યંત સ્પર્ધાત્મક ચૂંટણીમાં ભારતે સીક્રેટ મતદાનમાં ૫૩માંથી ૪૬ મત મેળવ્યા હતા. ભારતની સાથે સાઉથ કોરિયા, યુએઈ અને ચીન એશિયા-પૅસેફિક દેશોની કૅટેગરીની બે સીટ માટે મેદાનમાં હતા.

વિદેશપ્રધાન એસ. જયશંકરે બુધવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘ભારત પહેલી જાન્યુઆરી, ૨૦૨૪થી ચાર વર્ષની મુદત માટે યુએનના સ્ટૅટિસ્ટિકલ કમિશનમાં ચૂંટાઈ આવ્યું છે.’ 

national news united nations new delhi