23 May, 2024 02:11 PM IST | Agra | Gujarati Mid-day Correspondent
સરકારી અધિકારીઓને ૮૦ કલાકની આ રેઇડમાં કૅશ ૫૭ કરોડ રૂપિયા મળી આવ્યા હતા
આગરામાં શૂઝના ત્રણ વેપારીઓના ઘરે પાડવામાં આવેલી ઇન્કમ ટૅક્સ ડિપાર્ટમેન્ટની રેઇડ ચાર દિવસ બાદ પૂરી થઈ અને સરકારી અધિકારીઓને ૮૦ કલાકની આ રેઇડમાં કૅશ ૫૭ કરોડ રૂપિયા મળી આવ્યા હતા. છેલ્લાં ૧૦ વર્ષમાં આવકવેરા ખાતાની કોઈ પણ રેઇડમાં સૌથી વધારે રોકડ રકમ મળી હોય એવો આ પ્રથમ બનાવ છે. આવકવેરા ખાતાને એક કરોડ રૂપિયાથી વધારેની જ્વેલરી મળી છે. તદુપરાંત કેટલીયે બોગસ પેઢીઓની માહિતી પણ મળી છે. અનેક શહેરોમાં રિયલ એસ્ટેટમાં પણ બેનામી રોકાણની મહિતી મળી છે. આ વિશે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. શનિવારે ત્રણ વેપારીઓની ૧૪ જગ્યાએ આ રેઇડ પાડવામાં આવી હતી અને એમાં આગરા, કાનપુર અને લખનઉના ૮૪ આવકવેરા અધિકારીઓ સામેલ હતા. મંગળવારે રાતે ૮ વાગ્યે રેઇડની કાર્યવાહી પૂરી થઈ હતી.
ત્રણ વેપારીઓ પૈકી હરમિલાપ ટ્રેડર્સના રામનાથ ડંગના ઘરમાંથી ૫૩ કરોડ રૂપિયા અને બીકે શૂઝ અને મંશુ ફુટવેઅરમાંથી ૪ કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. ૫૭ કરોડ રૂપિયાનાં ૫૦૦-૫૦૦ની નોટોનાં કુલ ૧૧,૪૦૦ બંડલ ઘરના કબાટ, ડબલ બેડ અને બૅગમાં ભરી રાખવામાં આવ્યાં હતાં. આ રૂપિયા સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાની કરન્સી ચેસ્ટમાં બે વૅનમાં ભરીને જમા કરાવવામાં આવ્યા હતા. આ નોટોનાં બંડલને ગણવા માટે બૅન્કના અધિકારીઓને ૧૭ કલાક લાગ્યા હતા. સોમવારે સવારે ૧૧ વાગ્યે નોટોની શરૂ થયેલી ગણતરી મંગળવારે સવારે ૪ વાગ્યા સુધી ચાલી હતી. આખી ગણતરી પૂરી થયા બાદ આ રોકડા રૂપિયા બૅન્કમાં જમા કરાવવામાં આવ્યા હતા.
૪૦ કરોડનું હવાલા કૌભાંડ
શૂઝના એક વેપારી પાસેથી ૪૦ કરોડ રૂપિયાના પેમેન્ટની ચિઠ્ઠીઓ મળી આવી છે જે હવાલા કૌભાંડ છે. એમાં આશરે ૪૦૦૦ વેપારીઓનાં નામ છે. હવાલાના માધ્યમથી ઘણાં શહેરોમાં રોકડ રકમની લેણદેણની જાણકારી મળી છે. વેપારીના ઘરમાંથી મળેલા દસ્તાવેજ અને મોબાઇલ ફોનમાંથી એની માહિતી મળી છે.
CBDTના અધિકારીઓ સક્રિય થયા
શૂઝના વેપારીઓના ઘરમાંથી ૫૭ કરોડની રોકડ મળી આવતાં સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસ (CBDT)ના અધિકારીઓ પણ સક્રિય થયા છે. તેમણે પણ આ કાર્યવાહી પર નજર રાખી છે.
ટૅક્સચોરીની નવી પદ્ધતિ
શૂઝના વેપારમાં હવાલા કૌભાંડથી ચાલી રહેલી ટૅક્સની ચોરીની નવી રીતની જાણકારી સરકારી અધિકારીઓને મળી છે. આ ચિઠ્ઠી આપનારા વેપારીઓની તપાસ કરવામાં આવશે. જે વેપારીઓએ આ ચિઠ્ઠી આપી છે તેમણે તેમની બુક્સ ઑફ અકાઉન્ટ્સમાં આની નોંધ લીધી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવશે અને એના રેકૉર્ડ્સ ક્રૉસ ચેક થશે. જો રેકૉર્ડ્સ મૅચ નહીં થાય તો તેમને પણ નોટિસ મોકલવામાં આવશે. આ મુદ્દે સ્ટેટ અને સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ઍક્ટના અધિકારીઓ પણ તપાસ કરશે.