13 October, 2022 09:06 AM IST | uttarakhand | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેહરાદૂન : ઉત્તરાખંડમાં મદરેસાઓને એક મહિનામાં રાજ્યના શિક્ષણ વિભાગમાં નોંધણી કરાવવા કે પછી બંધ કરવાનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. સરકારના મતે ઉત્તરાખંડમાં ૪૦૦ જેટલી નોંધણી કરાવ્યા વિનાની મદરેસા છે. ઉપરોક્ત બાબતને સમર્થન આપતાં ઉત્તરાખંડના સમાજ કલ્યાણ અને લઘુમતી કલ્યાણ પ્રધાન ચંદન રામ દાસે ઉમેર્યું હતું કે જો તેઓ એક મહિનામાં રજિસ્ટ્રેશન નહીં કરાવે તો મદરેસાને બંધ કરવાનાં પગલાં લેવામાં આવશે. હાલમાં ઉત્તરાખંડ મદરેસા બોર્ડ પાસે ૪૧૯ મદરેસા રજિસ્ટર્ડ છે. એમાંથી ૧૯૨ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મેળવે છે. રાજ્ય સરકારના અંદાજ મુજબ હજી રાજ્યમાં ૪૦૦ કરતાં વધુ મદરેસા શિક્ષણ વિભાગ પાસે રજિસ્ટર્ડ કરાઈ નથી, જેને કારણે એમાં ભણનારા સ્ટુડન્ટ્સને પાંચમા ધોરણ પછી પ્રવેશ મેળવવામાં સમસ્યા વેઠવી પડે છે.
મદરેસાને રજિસ્ટર્ડ કરાવવા અલ્ટીમેટમ આપવા પાછળનો મૂળ હેતુ સ્ટુડન્ટ્સનું ભલું કરવાનો જ છે, કેમ કે માત્ર રજિસ્ટર્ડ મદરેસાના સ્ટુડન્ટ્સને જ કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ મળી શકશે.