10 May, 2024 07:07 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં હિન્દુઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને ૧૯૫૦થી ૨૦૧૫નાં ૬૫ વર્ષમાં હિન્દુઓની વસ્તીમાં ૭.૮૨ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ આ જ સમયગાળામાં મુસ્લિમોની સંખ્યામાં ૪૩.૧૫ ટકાનો વધારો થયો છે. વડા પ્રધાનની ઇકૉનૉમિક ઍડ્વાઇઝરી કાઉન્સિલના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે.
આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે માત્ર ભારતમાં બહુસંખ્યક લોકોની વસ્તી ઘટે છે. આ રિપોર્ટમાં દુનિયાના ૧૬૭ દેશની વસ્તીની વધઘટની નોંધ લેવાઈ છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યા મુજબ ભારતમાં બહુસંખ્યક હિન્દુઓની હિસ્સેદારી ઘટી રહી છે પણ મુસ્લિમ, ક્રિશ્ચિયન, બૌદ્ધ અને સિખો સહિત લઘુમતીઓની વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. માત્ર જૈન અને પારસીઓની સંખ્યા ઘટી રહી છે.
જોઈએ આ રિપોર્ટની હાઇલાઇટ્સ...
મુસ્લિમોની વસ્તીમાં ૪૩.૧૫ ટકાનો વધારો થયો છે એ જ રીતે ક્રિશ્ચિયનોની સંખ્યામાં ૫.૩૮ ટકા, સિખોની સંખ્યામાં ૬.૫૮ ટકા અને બૌદ્ધોની સંખ્યામાં મામૂલી વધારો જોવા મળ્યો છે.
જૈનોની હિસ્સેદારી ૬૫ વર્ષ પહેલાં ૦.૪૫ ટકા હતી, જે હવે ઘટીને ૦.૩૬ ટકા છે.
પારસીઓની વસ્તીમાં ૮૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
ભારતમાં ૧૯૫૦માં હિન્દુઓની હિસ્સેદારી ૮૪ ટકા હતી, જે ૨૦૧૫માં ઘટીને ૭૮ ટકા થઈ છે.
આ સમયગાળામાં મુસ્લિમોની હિસ્સેદારી ૯.૮૪ ટકાથી વધીને ૧૪.૦૯ ટકા સુધી વધી ગઈ છે.
ભારતની જેમ પાડોશી દેશ મ્યાનમારમાં પણ બહુસંખ્યક સમાજની વસ્તીમાં ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
નેપાલમાં પણ હિન્દુ બહુસંખ્યકની સંખ્યામાં ૩.૬ ટકાનો ઘટાડો થયો છે.
બીજી તરફ જ્યાં મુસ્લિમો બહુસંખ્યક છે એવા દેશોમાં તેમની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે.