27 July, 2024 09:10 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
૨૨ જુલાઈથી શરૂ થયેલી કાવડયાત્રાના માર્ગમાં આવેલી હોટેલો તથા ફળ અને ખાદ્યસામગ્રી વેચનારા દુકાનદારોએ તેમનાં નામ લખવાં જોઈએ એવા સરકારી આદેશના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીઓ સામે ઉત્તર પ્રદેશ સરકારે ગઈ કાલે એનો જવાબ આપ્યો હતો અને એમાં જણાવ્યું હતું કે કેટલાક કાવડિયા દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે આ આદેશ આપવામાં આવ્યો છે. આ યાત્રા શાંતિપૂર્ણ રીતે પાર પડે અને એની પવિત્રતા જળવાઈ રહે એવો એનો ઉદ્દેશ છે. કાવડિયાઓએ જણાવ્યું હતું કે યાત્રાના માર્ગમાં જે હોટેલો અને દુકાનો આવેલાં છે એમનાં નામ શંકા ઊપજાવે છે, આવી હોટેલોમાં જે ખાવાનું તૈયાર થાય છે એના સામે શંકા હોવાથી આવો આદેશ આપવામાં આવ્યો છે.
ઉત્તર પ્રદેશ સરકારે જણાવ્યું હતું કે ‘કેટલાક કાવડિયા આ યાત્રાના માધ્યમથી આકરું તપ કરે છે. ડાક કાવડિયા તો એક વાર ગંગાજળ લીધા બાદ રસ્તામાં જ્યાં સુધી તેમના ખભા પર કાવડ હોય છે ત્યાં સુધી અટકતા નથી, વિશ્રામ લેતા નથી કે ઝાડ નીચે પણ ઊભા રહેતા નથી. તેઓ ગંગાજળ જમીન પર મૂકતા નથી. ખૂબ તૈયારી કરીને તેઓ આ યાત્રા શરૂ કરે છે. તેમના આ તપમાં કોઈ ભંગ થાય નહીં એ માટે આ પ્રકારનો આદેશ આપવામાં આવ્યો છે.’
ગઈ કાલે સુનાવણી દરમ્યાન કોર્ટે ઇન્ટરિમ સ્ટેને કાયમ રાખ્યો હતો, જેમાં એણે દુકાનો પર એના માલિકનું નામ ફરજિયાત લખવાના ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના આદેશ પર રોક લગાવી હતી. જોકે કોર્ટે એ પણ કહ્યું હતું કે જો કોઈ દુકાનદાર પોતાની મરજીથી તેનું કે તેના કર્મચારીઓનું નામ બોર્ડ પર લખવા માગતો હોય તો એ કરી શકે છે. હવે આ કેસની આગામી સુનાવણી પાંચમી ઑગસ્ટે થશે.