29 April, 2023 12:05 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નીરજ ચોપડા
નવી દિલ્હી (પી.ટી.આઇ.)ઃ દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે વિરોધ-પ્રદર્શન કરી રહેલા રેસલર્સે એને જીત તરફનું પહેલું પગથિયું ગણાવ્યું છે. જોકે સાથે જ તેઓ તેમનું આંદોલન ચાલુ રાખશે અને બીજેપીના આ સંસદસભ્યને તમામ પદ પરથી હટાવવાની માગણી કરી રહ્યા છે.
વિનેશ ફોગાટે કહ્યું કે ‘દિલ્હી પોલીસને એફઆઇઆર નોંધતાં ૬ દિવસ લાગ્યા. બ્રિજભૂષણને જેલમાં નાખવો જોઈએ અને જેટલાં પણ પદ પર છે તેને એ પદ પરથી હટાવવો જોઈએ.’
સાક્ષી મલિકે જંતરમંતરમાં પત્રકારોને જણાવ્યું હતું કે જીતની તરફ આ પહેલું પગથિયું છે, પરંતુ અમારું વિરોધ-પ્રદર્શન તો ચાલુ જ રહેશે.
નીરજ ચોપડા ઉપરાંત શૂટર અભિનવ બિન્દ્રા, બૉક્સર નિખત ઝરીન, ક્રિકેટર્સ વીરેન્દર સેહવાગ, કપિલ દેવ, ઇરફાન પઠાણ તથા હરભજન સિંહ તેમ જ ભૂતપૂર્વ હૉકી પ્લેયર પરગટ સિંહે પણ આંદોલન કરી રહેલા કુસ્તીબાજોને ટેકો આપ્યો છે.
ન્યાયની માગણીને લઈને ઍથ્લીટ્સ રસ્તા પર છે એ જોઈને મને દુઃખ થાય છે. આપણા મહાન દેશનું પ્રતિનિધિત્વ કરવા આ ઍથ્લીટ્સે ખૂબ મહેનત કરી છે. એક દેશ તરીકે આપણે અખંડિતતા અને પ્રત્યેક વ્યક્તિની ગરિમાની સુરક્ષા માટે જવાબદાર છીએ. પછી એ ઍથ્લીટ હોય કે ન હોય. નીરજ ચોપડા, ઑલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ