IIT-કાનપુરે તૈયાર કર્યું વિશેષ કાપડ; એ પહેરવાથી આર્મીના જવાન, પ્લેન કે તોપ દુશ્મનની નજરે નહીં પડે

29 November, 2024 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કાપડની પેટન્ટ માટે ૨૦૧૮માં અરજી કરવામાં આવી હતી જેને સ્વીકારી લેવાઈ છે. છેલ્લાં છ વર્ષથી આ ટેક્નૉલૉજીનું પરીક્ષણ થઈ રહ્યું છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-કાનપુર

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (IIT)-કાનપુરે મેટામટીરિયલની મદદથી એવું વિશેષ કાપડ તૈયાર કર્યું છે જે પહેરનારી વ્યક્તિને કોઈ જોઈ નહીં શકે. બૉલીવુડની ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’માં આવો ડ્રેસ દર્શાવવામાં આવ્યો હતો જે પહેરવાથી હીરો કોઈની નજરે પડતો નથી. હવે એ હકીકત બની છે. IIT-કાનપુરના સ્થાપના દિવસ નિમિત્તે યોજવામાં આવેલા ડિફેન્સ સ્ટાર્ટઅપ એક્ઝિબિશનમાં આ કાપડ રજૂ કરવામાં આવ્યું હતું. આ કાપડ દેશની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે.

આ કાપડ એવું છે જે દુશ્મનોના રડાર, સૅટેલાઇટ ઇમેજ, ઇન્ફ્રારેડ કૅમેરા, ગ્રાઉન્ડ સેન્સર કે થર્મલ ઇમેજિંગની પહોંચમાં નહીં આવે. એમાંથી જવાનોના ડ્રેસ ઉપરાંત ડ્રોન, ટેન્ટ, ફાઇટર વિમાનો અને તોપગાડીઓનાં કવર પણ તૈયાર થઈ શકશે અને એ પહેરવાથી તેઓ સુરક્ષિત રહી શકશે અને દુશ્મનોની નજરમાંથી અદૃશ્ય પણ રહી શકશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે વિદેશમાં આ પ્રકારનું જે કાપડ મળે છે એનાથી એ છથી સાતગણું સસ્તું છે.

મંગળવારે IIT-કાનપુરના પ્રો. રાકેશ મોટવાની સભાગૃહમાં ઍર માર્શલ આશુતોષ દીક્ષિત અને IITના ડિરેક્ટર પ્રો. મણિન્દ્ર અગ્રવાલે મેટામટીરિયલ સર્ફેસ ક્લૉકિંગ સિસ્ટમ ‘અનાલક્ષ્ય’નું લોકાર્પણ કર્યું હતું. એને મેટાતત્ત્વ કંપની તૈયાર કરી રહી છે. કંપનીનો દાવો છે કે એ આર્મીની જરૂર પૂરી કરવા તૈયાર છે. ખૂબ ઝડપથી ઊડતાં ફાઇટર વિમાનો માટે પણ આ મટીરિયલમાંથી વધુ આધુનિક કાપડ તૈયાર કરવામાં આવ્યું છે.

આ કાપડની પેટન્ટ માટે ૨૦૧૮માં અરજી કરવામાં આવી હતી જેને સ્વીકારી લેવાઈ છે. છેલ્લાં છ વર્ષથી આ ટેક્નૉલૉજીનું પરીક્ષણ થઈ રહ્યું છે.

national news india indian institute of technology kanpur indian army