18 June, 2023 12:55 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
સુભાષ ચન્દ્ર બોઝ
નવી દિલ્હી (પી.ટી.આઇ.) ઃ નેતાજી સુભાષ ચન્દ્ર બોઝમાં નીડરતાથી અંગ્રેજોને પડકારવાની હિંમત હતી. એ સમયે જો તેઓ હયાત હોત તો ભારતનું વિભાજન ન થયું હોત. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ગઈ કાલે આમ કહેતાં જ એની ચર્ચા થવા લાગી હતી. અસોચેમ દ્વારા આયોજિત પ્રથમ નેતાજી સુભાષ ચન્દ્ર બોઝ મેમોરિયલ લેક્ચર આપતાં ડોભાલે કહ્યું હતું કે ‘બોઝ ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે લડવા માટે મક્કમ હતા અને તેઓ આઝાદી માટે ક્યારેય ભીખ માગવા નહોતા ઇચ્છતા. તેઓ ન ફક્ત રાજકીય આધીનતાનો અંત લાવવા ઇચ્છતા હતા, પરંતુ તેઓ માનતા હતા કે લોકોની રાજકીય, સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક માનસિકતા પણ બદલવાની જરૂર છે. તેમનામાં મહાત્મા ગાંધીને પડકારવાનું પણ સાહસ હતું.’