13 May, 2023 02:31 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
‘ધ કેરલ સ્ટોરી’નું પોસ્ટર
સુપ્રીમ કોર્ટે વિવાદાસ્પદ ફિલ્મ ‘ધ કેરલ સ્ટોરી’ના મેકર્સ દ્વારા કરવામાં આવેલી એક રિટ પિટિશન પર પશ્ચિમ બંગાળ અને તામિલનાડુની રાજ્ય સરકારોને ગઈ કાલે નોટિસ ઇશ્યુ કરી હતી. આ ફિલ્મના મેકર્સે આ ફિલ્મ પર બૅન મૂકવાના પશ્ચિમ બંગાળ સરકારના નિર્ણયને પડકાર્યો હતો. સાથે જ આ મેકર્સે એવો પણ આરોપ મૂક્યો હતો કે આ ફિલ્મ તામિલનાડુમાં ‘શૅડો બૅન’નો સામનો કરી રહી છે. તેમણે આ રાજ્યમાં ફિલ્મના સ્ક્રીનિંગ માટે પ્રોટેક્શન પૂરું પાડવાની માગણી કરી હતી.
ચીફ જસ્ટિસ ડી.વાય. ચન્દ્રચુડ અને જસ્ટિસ પી.એસ. નરસિંહાની બેન્ચે આ મામલે આગામી બુધવારે સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.
આ ફિલ્મના પ્રોડ્યુસર સનશાઇન પ્રોડક્શન્સ તરફથી હાજર સિનિયર ઍડ્વોકેટ હરીશ સાલ્વેએ જણાવ્યું હતું કે આ ફિલ્મની રિલીઝના દિવસે પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાને એની વિરુદ્ધ એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ ફિલ્મ એક કમ્યુનિટીની વિરુદ્ધ છે અને એની રજૂઆતથી કાયદો-વ્યવસ્થા માટે સમસ્યાઓ સરજાઈ શકે છે. કોઈ જાતની સમસ્યા વિના ત્રણ દિવસ સુધી ચાલ્યા બાદ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તામિલનાડુ વિશે સાલ્વેએ કહ્યું હતું કે એક્ઝિબિટર્સે ધમકીઓ બાદ આ ફિલ્મને રજૂ કરતી અટકાવી હતી.
સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘આ ફિલ્મ દેશના બીજા ભાગોમાં રિલીઝ થઈ છે. પશ્ચિમ બંગાળ દેશના બીજા ભાગોથી અલગ નથી. જો એ દેશના બીજા ભાગમાં રજૂ થઈ શકે છે તો પશ્ચિમ બંગાળે શા માટે એના પર પ્રતિબંધ મૂક્યો? જો લોકોને આ ફિલ્મ જોવાલાયક ન લાગતી હોય તો તેઓ નહીં જુએ,’
જોકે, અદાલતે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો પક્ષ સાંભળ્યા વિના અદાલત કોઈ પણ વચગાળાનો આદેશ નહીં આપે.