મહાકાલ મંદિરથી ૫૦ કિલોમીટર દૂર હોવી જોઈએ મુસ્લિમની હોટેલ

30 November, 2024 02:36 PM IST  |  Telangana | Gujarati Mid-day Correspondent

હૈદરાબાદના વિધાનસભ્ય ટી. રાજાએ ઉજ્જૈન જઈને માગણી કરી- કહ્યું કે મહાકાલ મંદિરની આસપાસની હોટેલોનો સર્વે કરાવો, એમાં શું રાંધવામાં આવે છે એની જાણકારી મળવી જોઈએ

મહાકાલનાં દર્શન કરતા ટી. રાજા

તેલંગણના હૈદરાબાદની ગોશામહલ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય ટી. રાજા ગુરુવારે ઉજ્જૈનમાં મહાકાલ મંદિરનાં દર્શને આવ્યા હતા અને તેમણે માગણી કરી હતી કે ‘જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર મંદિરની આસપાસ આવેલી તમામ હોટેલોનો સર્વે કરાવવામાં આવે અને એ જાણવામાં આવે કે હોટેલોમાં શું રાંધવામાં આવી રહ્યું છે? મહાકાલ મંદિર પ્રાચીન અને પવિત્ર છે એટલે મંદિરથી ૫૦ કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ મુસ્લિમની હોટેલ હોવી જોઈએ નહીં. હિન્દુઓ જો અપવિત્ર જગ્યામાંથી પસાર થઈને મંદિરમાં આવશે તો તેમની પૂજા કદી ભગવાન નહીં સ્વીકારે. હું મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવને નિવેદન કરું છું કે તેઓ મંદિરની આસપાસની હોટેલોનો સર્વે કરાવે.’

મીડિયા સાથે વાત કરતાં ટી. રાજાએ જણાવ્યું હતું કે ‘હું મહાકાલનાં દર્શન કરી શક્તિ લઈને પાછો જાઉં છું. મેં પ્રાર્થના કરી છે કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી હું દેશ અને ધર્મ માટે કાર્ય કરતો રહું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન એટલી શક્તિ આપે કે તેઓ ભારતને આજે ઊંચાઈ પર છે એનાથી પણ ઊંચે લઈ જાય. ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા ગૌહત્યા, ધર્માંતરણ, લવ જેહાદ અને લૅન્ડ જેહાદ પર પ્રતિબંધ લાગે અને સનાતની સુરક્ષિત રહે એવી મહાકાલને પ્રાર્થના છે.’

સંભલમાં મસ્જિદના સર્વેના મુદ્દે બોલતાં ટી. રાજાએ કહ્યું હતું કે ‘સર્વે કરનારી ટીમ પર હુમલો કરવામાં આવ્યો અને ગોળીઓ છોડવામાં આવી. હું પૂછવા માગું છું કે જે લોકો સંભલ મસ્જિદનો સર્વે રોકવા માગે છે તેમને સાચે જ ડર નથીને કે ત્યાં મંદિરના અવશેષ મળી આવશે? ત્યાં સર્વે થઈને રહેશે અને જો ત્યાં મંદિર હશે તો મસ્જિદ હટશે અને ભવ્ય મંદિર બનાવવામાં આવશે.’

હિન્દુ રાષ્ટ્રના મુદ્દે બોલતાં ટી. રાજાએ જણાવ્યું હતું કે ‘બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને દેવકીનંદન ઠાકુર હિન્દુ રાષ્ટ્રની કામના સાથે ભવ્ય યાત્રાઓ કાઢી રહ્યા છે. તેમની યાત્રાઓને મળી રહેલા પ્રતિસાદ અને એમાં આવતા લોકોનો ઉત્સાહ દર્શાવે છે કે લોકો ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માગે છે. તેમની યાત્રાઓમાં જન-જનમાં જાગૃતિ દેખાઈ રહી છે. ઈશ્વરની ઇચ્છા રહી તો ૨૦૨૯ સુધીમાં ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરી દેવામાં આવશે.’

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન પહોંચ્યાં ઉજ્જૈન, મહાકાલ મંદિરમાં પૂજા કરી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબહેન ગઈ કાલે ઉજ્જૈન પહોંચ્યાં હતાં અને પરિવાર સાથે બાબા મહાકાલની પૂજા કરી હતી. તેમણે મહાકાલના ચાંદીના દ્વાર પર માથું ટેકવીને પૂજાઅર્ચના કરી હતી અને જળાભિષેક કર્યો હતો. ત્યાર બાદ નંદી હૉલમાં બેસીને ધ્યાન ધર્યું હતું. તેમણે ભોગ આરતીમાં પણ ભાગ લીધો હતો. જશોદાબહેન બાબા મહાકાલનાં પરમ ભક્ત છે અને અનેક વાર આ મંદિરમાં આવીને દર્શન કરે છે. આ વખતે તેમની ધાર્મિક યાત્રામાં તેમના પરિવારના સભ્યો પણ જોડાયા હતા. જશોદાબહેન બુધવારે ઇન્દોર પહોંચ્યાં હતાં અને ત્યાં ખજરાના ગણેશ મંદિરમાં પણ દર્શન કર્યાં હતાં. ગુરુવારે સવારે તેમણે સાઉથ તુકોગંજમાં નાથ મંદિરમાં માધવનાથ મહારાજની પૂજાઅર્ચના કરી હતી.

national news telangana ujjain religious places india