07 December, 2025 07:36 AM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
બાબરી મસ્જિદનો પથ્થર મુકાયો ત્યારે પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. લોકો પોતાની સાથે બે-બે ઈંટો માથે લઈને મસ્જિદના કાર્યક્રમમાં જોડાયા હતા.
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉન્ગ્રેસના સસ્પેન્ડ કરવામાં આવેલા વિધાનસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ જેવી રચના ઊભી કરવા માટે ગઈ કાલે ધરાર પાયાનો પથ્થર મૂક્યો હતો અને એના પગલે રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. તેમના સમર્થકો પણ માથા પર ઈંટો લઈને બાંધકામના સ્થળે પહોંચ્યા હતા. કોર્ટે અગાઉ આ મામલે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હોવાથી હુમાયુ કબીરે એનો ફાયદો ઉઠાવ્યો હતો. આના પગલે પ્રશાસને સુરક્ષા-વ્યવસ્થા સઘન બનાવી છે.
આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અમિત માલવીયે આ ઘટનાને રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો પરિસ્થિતિ વધુ વણસી તો એની સીધી અસર નૅશનલ હાઇવે 12 પર પડશે. તેમનો દાવો છે કે હુમાયુ કબીરને પોલીસનો ટેકો છે અને તે રાજકીય લાભ માટે આનું આયોજન કરી રહ્યા છે, જ્યારે હુમાયુ કબીરનો દાવો છે કે લાખો લોકો તેમની સાથે ઊભા છે અને કોઈ પણ કાવતરાને નિષ્ફળ બનાવશે.
BJPના રાષ્ટ્રીય મહાસચિવ તરુણ ચુગે આ ઘટના પર તીવ્ર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે જે બાબરને ગુરુ નાનક દેવજીએ જુલમી કહ્યો હતો તેના નામે ભારતમાં કોઈ પણ સ્મારક સ્વીકારવામાં આવશે નહીં. તેમણે આરોપ લગાવ્યો કે બાબરે નદીઓને લોહીથી લાલ કરી દીધી હતી અને મંદિરોનો નાશ કર્યો હતો.
હુમાયુ કબીર BJP ને RSSનો એજન્ટ : તૃણમૂલ કૉન્ગ્રેસ
બીજી તરફ તૃણમૂલ કૉન્ગ્રેસે વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘કબીર હવે BJP અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. આ કાવતરું મુર્શિદાબાદની શાંતિને ખલેલ પહોંચાડવા માટે ઘડવામાં આવ્યું છે.’
હુમાયુ કબીર તૃણમૂલ કૉન્ગ્રેસનો ફ્રીલાન્સર : BJPના દિલીપ ઘોષ
BJPના વરિષ્ઠ નેતા દિલીપ ઘોષે હુમાયુ કબીરને તૃણમૂલ કૉન્ગ્રેસનો ફ્રીલાન્સર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે મમતા બૅનરજીની સરકાર દ્વારા વોટબૅન્કનો ટેકો મેળવવા અને સામાજિક માળખાને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી પહેલા સાંપ્રદાયિક લાગણીઓ ભડકાવવા માટે આ એક ઇરાદાપૂર્વકની ચાલ હતી.
બે લાખ લોકો જોડાયા, ૪૦,૦૦૦ લોકો માટે બની હતી બિરયાની
બંગાળના અલગ-અલગ જિલ્લાઓમાંથી લગભગ બે લાખ લોકો મસ્જિદની પહેલી ઈંટ રાખવા માટે ભેગા થયા હતા. દરેક વ્યક્તિ પોતાની સાથે બે-બે ઈંટો લઈને આવી હતી. સાઉદી અરેબિયાથી ઇસ્લામિકના ધર્મગુરુઓ સામેલ થયા હતા. તેમણે સામૂહિક રીતે કુરાનનું પઠન કરીને પછી મસ્જિદનો પથ્થર મૂક્યો હતો. બાબરી મસ્જિદ ૨૦ વીઘાં જમીન પર બનવાની છે અને એ માટે ૧૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ થશે. કાર્યક્રમમાં આવેલા લોકોએ પોતપોતાની રીતે યશાશક્તિ રોકડ રકમનું યોગદાન પણ આપ્યું હતું.