26 September, 2022 09:18 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
રાજસ્થાનના આગામી મુખ્ય પ્રધાનના પદ માટે સચિન પાઇલટ કૉન્ગ્રેસ હાઈ કમાન્ડની પસંદગી હતા. આ મિશનને પાર પાડવાની કોશિશ ગઈ કાલે નિષ્ફળ ગઈ હતી. પાર્ટીના કેન્દ્રીય નેતાઓની નજર હેઠળ સત્તા સોંપવાની પ્રક્રિયા સરળ રહેશે એવી અપેક્ષા હતી. જોકે હવે ટીમ અશોક ગેહલોટ એક મીટિંગ પછી આ મામલે સમાધાન કરવા તૈયાર નથી. બલકે આ ટીમે બળવો કર્યો હતો. ટીમ ગેહલોટના ૮૦થી વધુ વિધાનસભ્યોએ રાજીનામાં આપવાની ધમકી આપી હતી. પ્રધાન પ્રતાપ સિંહ ખાચરિયાવાસે દાવો કર્યો હતો કે ટીમ ગેહલોટની પાસે ૯૨ વિધાનસભ્યોનો સપોર્ટ છે. તેમણે કહ્યું હતું કે અમારી એક જ માગણી છે કે, બળવો કરનારામાંથી કોઈને મુખ્ય પ્રધાન બનાવવામાં ન આવે.
ટીમ ગેહલોટના ૫૬ વિધાનસભ્યોએ સર્વાનુમતે પહેલાં જ નક્કી કરી લીધું હતું કે પાઇલટ અને તેના ૧૮ વફાદારો દ્વારા ૨૦૨૦માં બળવો કરવામાં આવ્યો હતો એ સમયે સરકારને સપોર્ટ આપનારા ૧૦૨ વિધાનસભ્યોમાંથી જ કોઈ સીએમ બનવું જોઈએ.
૧૬ પ્રધાનો સહિત ગેહલોટના વફાદારો પાર્ટીના વિધાનસભ્યોની મહત્ત્વપૂર્ણ મીટિંગ પહેલાં ગઈ કાલે સાંજે શાંતિ ધારીવાલના ઘરે મળ્યા હતા.
નોંધપાત્ર વાત એ છે કે ટીમ ગેહલોટના સમર્થક વિધાનસભ્યોએ એકતા દાખવવા માટે ધારીવાલના ઘરેથી એક જ બસમાં જવાનો નિર્ણય કર્યો હતો. વાસ્તવમાં જ્યારે પણ કોઈ રાજ્યના રાજકારણમાં ઊથલપાથલ મચી જાય તો એવી સ્થિતિમાં પોતાની પાર્ટીના તમામ વિધાનસભ્યોને સાથે બસમાં ‘સલામત’ સ્થળે લઈ જવાની કોશિશ કરવામાં આવે છે, જેથી વિરોધી પાર્ટીને પોતાના વિધાનસભ્યોને ખરીદતા રોકી શકાય. જોકે રાજસ્થાનમાં ગઈ કાલે ધારીવાલના ઘરે ટીમ ગેહલોટના વિધાનસભ્યોએ પોતપોતાનાં વાહનોને છોડીને એક જ બસમાં સીએમ હાઉસ જવાનો નિર્ણય કર્યો હતો. રાજસ્થાનના રાજકારણમાં ગઈ કાલે આ એક મહત્ત્વનો ઘટનાક્રમ રહ્યો હતો.
ગેહલોટ કૉન્ગ્રેસના અધ્યક્ષપદની ચૂંટણીમાં સૌથી આગળ હોવાનું મનાય છે. જોકે તેઓ રાજસ્થાનમાં તેમની ભૂમિકા છોડવા માટે તૈયાર નથી. તેમણે અનેક વખત આ મામલે અનિચ્છા વ્યક્ત કર્યા બાદ પાર્ટીના નેતા રાહુલ ગાંધીએ ‘એક વ્યક્તિ, એક પદ’ની વાત કહી હતી. નોંધપાત્ર વાત એ છે કે, ગેહલોટે ગઈ કાલે કૉન્ગ્રેસ વિધાનસભ્યોની મીટિંગ પહેલાં કહ્યું હતું કે તેઓ ૪૦ વર્ષથી જુદાં-જુદાં બંધારણીય પદો પર રહ્યાં છે ત્યારે હવે નવી પેઢીના લોકોને એક ચાન્સ આપવો જોઈએ.
જોકે, ગઈ કાલે રાત્રે તેમની છાવણીમાંથી અલગ જ માહોલ અને મૂડ જોવા મળ્યો હતો.